થોડાંક અઠવાડિયામાં કોરોનાની વેક્સિન તૈયાર થઈ જશેઃ વડાપ્રધાન મોદી

04 December, 2020 07:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

થોડાંક અઠવાડિયામાં કોરોનાની વેક્સિન તૈયાર થઈ જશેઃ વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

સરકારે આજે કોરોના બાબતે સર્વપક્ષીય બેઠક યોજી હતી. વિડિયો-કોન્ફરન્સ દ્વારા આ મીટિંગની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. જેમાં મોદીએ કોરોનાની વેક્સિનને લઈને 8 મહત્ત્વની વાત કહી હતી. તેમાં વડાપ્રધાન મોદીએ અણસાર આપ્યો હતો કે ભારતમાં આ વેક્સિન મફત નહીં હોય. એક તો તેઓ પોતાના ભાષણમાં ક્યાંય પણ 'મફત' શબ્દ બોલ્યા નથી, ઉપરથી તેમણે એવું પણ કહ્યું કે વેક્સિનની કિંમત કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને નક્કી કરશે.

અલબત્ત, આ વિશે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરાઈ, પરંતુ જે રીતે તેમણે વાત મૂકી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ છે કે સરકાર એક યા બીજી રીતે આપણી પાસેથી વેક્સિનની કિંમત વસૂલી જ લેશે. અમેરિકા અને કેનેડા સહિત ઘણા દેશોએ તેના દેશોને વેક્સિન મફત આપવાની જાહેરાત કરી દીધી છે. રાહુલ ગાંધીએ પણ કહ્યું કે, આશા છે કે સર્વપક્ષિય બેઠકમાં વડાપ્રધાન સ્પષ્ટ કરશે કે દરેક ભારતીય નાગરિકને મફતમાં વેક્સિન ક્યારે મળશે.

તેમણે કહ્યું હતું, કોરોના વેક્સિન માટે હવે રાહ જોવાની જરૂર નથી, થોડાંક સપ્તાહમાં રસી તૈયાર થઈ જશે. વેક્સિન કંપનીઓ સાથે ચર્ચા પછી મોદીની આ પહેલી અને મહત્ત્વની બેઠક છે.તેમણે વેક્સિનની તૈયારીઓ અંગ વિસ્તારથી પોતાની વાત મુકી. કહ્યું કે, થોડાંક સપ્તાહમાં કોરોના વેક્સિન તૈયાર થઈ જશે, પહેલી રસી બીમાર, વૃદ્ધ અને હેલ્થ વર્કર્સને લગાડવામાં આવશે.

ભારતના વૈજ્ઞાનિકોને તેમની સફળતા પર વિશ્વાસ છે અને તેમનો આત્મવિશ્વાસ મજબૂત છે. દુનિયાની નજર ઓછી કિંમતવાળી સૌથી સુરક્ષિત વેક્સિન પર છે. સ્વાભાવિક છે કે દુનિયાની નજર ભારત પર પણ છે. અમદાવાદ, પુણે અને હૈદરાબાદ જઈને મેં જોયું કે વેક્સિન મેન્યુફેક્ચરિંગ અંગે તૈયારીઓ કેવી છે. ICMR અને ગ્લોબલ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજો સાથે તાલમેલ કરવામાં આવી રહ્યો છે. તમામ કમર કસીને તૈયાર છે. લગભગ 8 એવી સંભવિત વેક્સિન છે, જે ટ્રાયલના અલગ અલગ તબક્કામાં છે, જેનું મેન્યુફેક્ચરિંગ ભારતમાં જ થયું છે.

 

narendra modi national news covid19 coronavirus