09 May, 2026 08:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરો (NCRB)ના તાજેતરના આંકડા દર્શાવે છે કે મહિલાઓની સુરક્ષાની બાબતે મુંબઈની સ્થિતિ દેશનાં અન્ય મોટાં શહેરોની સરખામણીએ ઘણી બહેતર છે. દેશનાં ૧૯ મોટાં શહેરોની યાદીમાં મુંબઈ ૧૧મા ક્રમે રહ્યું છે જેનો અર્થ એ છે કે દિલ્હી, જયપુર અને લખનઉ જેવાં શહેરો કરતાં મુંબઈમાં મહિલાઓ પોતાને વધુ સુરક્ષિત અનુભવે છે.
NCRBના રિપોર્ટ અનુસાર પ્રતિ લાખ વસ્તીએ મહિલાઓ સામેના ગુનાનો દર મુંબઈમાં ૭૪.૬ નોંધાયો છે. આ દર ૧૯ મહાનગરોના સરેરાશ દર (૯૩.૫) કરતાં ઘણો ઓછો છે. જો આપણે અન્ય શહેરો સાથે તુલના કરીએ તો જયપુર (૧૯૯.૦), લખનઉ (૧૮૬.૦), ઇન્દોર (૧૮૧.૫) અને દિલ્હી (૧૭૬.૮)માં આ દર મુંબઈ કરતાં ઘણો વધારે છે, જ્યારે કલકત્તા અને ચેન્નઈમાં મહિલા ગુનાખોરીનો દર સૌથી ઓછો નોંધાયો છે.
જોકે આંકડાકીય રીતે મુંબઈમાં નોંધાતા કેસની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. ૨૦૨૪માં મુંબઈમાં મહિલા વિરોધી ગુનાના કુલ ૬૩૫૮ કેસ નોંધાયા હતા જે ૨૦૨૩માં ૬૦૨૫ અને ૨૦૨૨માં ૬૧૭૬ હતા. મહારાષ્ટ્રનાં અન્ય શહેરોમાં પુણેમાં ૨૬૩૧ અને નાગપુરમાં ૧૫૧૩ કેસ નોંધાયા છે. મુંબઈ સમગ્ર મહારાષ્ટ્રમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં મોખરે છે જે ચિંતાનો વિષય છે.