હું ઉદ્ધવ વિરુદ્ધ બોલી એટલે મને જેલમાં મોકલશો?

24 March, 2021 02:53 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નવનીત રાણાનો અરવિંદ સાવંતને અણિયાળો સવાલ

નવનીત રાણા

લોકસભાના સ્પીકર ઓમ બિરલાને શિવસેનાના સંસદસભ્ય અરવિંદ સાવંત (જેમણે નીચલા ગૃહમાં સચિન વઝે કેસનો મામલો ઉઠાવવા બદલ ધમકી આપી હતી) વિરુદ્ધ પત્ર લખ્યા બાદ મહારાષ્ટ્રના અમરાવતીનાં અપક્ષ સંસદસભ્ય નવનીત રાણાએ મંગળવારે જણાવ્યું હતું કે તેઓ સાવંતને પૂછવા માગે છે કે કયા આધારે તેમને જેલમાં મોકલવામાં આવશે.

એટલું જ નહીં રાણાએ પત્રમાં જણાવ્યું હતું કે મને ફોન પર તથા શિવસેનાના લેટરહેડ પર ઍસિડ હુમલાની ધમકી પણ આપવામાં આવે છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે સાવંતની કથિત ધમકી વિશે તેઓ શું કરશે તો એના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ‘મેં આ મુદ્દો સ્પીકર સમક્ષ અને સંસદીય બાબતોના પ્રધાન પ્રહ્લાદ જોશી સમક્ષ ઉઠાવ્યો છે. જો મને ગૃહમાં સમય મળશે તો હું અરવિંદ સાવંતને પૂછીશ કે તેઓ કયા આધાર પર મને જેલમાં મોકલશે.’

રાણાએ સવાલ કર્યો હતો કે ‘મેં તેમને એવું કહેતાં સાંભળ્યા હતા કે હું ઉદ્ધવ ઠાકરે વિશે વાત કરી રહી હતી ત્યારે મારી બૉડી લૅન્ગ્વેજ યોગ્ય નહોતી. શું ઉદ્ધવ ઠાકરે વિશે વાત કરતાં પહેલાં મહિલાઓએ શિવસેના પાસેથી બૉડી લૅન્ગ્વેજના ક્લાસ લેવા પડશે? હું ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ બોલી એ આધાર પર શું મને જેલમાં મોકલવામાં આવશે?’

national news indian politics