દિલ્હીમાં ૧૦૦૦થી વધુ પોલીસ-કર્મચારીઓ કોરોનાગ્રસ્ત

11 January, 2022 08:33 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ડેલ્ટાના સ્થાને ઓમાઇક્રોનના ભાઈ જેવા વાઇરસ બીએ-1નો પ્રભાવ વધ્યો ઃ વૈજ્ઞાનિકો

ફાઈલ તસવીર

દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે અંદાજે ૧૦૦૦ જેટલા પોલીસ-કર્મચારીઓ જેમાં પબ્લિક રિલેશન્સ ઑફિસર અને ઍડિશનલ કમિશનર ચિન્મય બિશ્વાલનો પણ સમાવેશ થાય છે તેઓ કોરોના સંક્રમિત થયા છે. તાજેતરમાં જ દિલ્હીના પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ તમામ કર્મચારીઓને ફરજિયાતપણે માસ્ક પહેરી રાખવાની સૂચના આપી હતી. આ ઉપરાંત વૅક્સિનેશન તેમ જ સરખી રીતે હાથ ધોવાનું પણ જણાવ્યું હતું. જે કર્મચારીએ વૅક્સિન લીધી નથી એવા તમામને ડૉક્ટરની સલાહ લઈને વૅક્સિન લઈ લેવા જણાવાયું હતું. 
દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગે આપેલી જાણકારી મુજબ દિલ્હીમાં ૨૨,૭૫૧ નવા કેસ આવ્યા હતા. જોકે તેમ છતાં, હાલમાં દિલ્હી ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી દ્વારા કોરોનાના ચેપને ફેલાતો રોકવા માટે લૉકડાઉન નાખવાની ના પાડી હતી. રેસ્ટોરાંને હૉમ ડિલિવરી કરવા માટે જણાવાયું છે.  મેટ્રો તથા બસમાં બેઠકોની સંખ્યા ઘટાડવામાં આવી છે. 
કોરોના વાઇરસના પૉઝિટિવ સૅમ્પલ્સના જીનોમ સીક્વન્સંગ પર કામ કરી રહેલા વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે મૂળ ઓમાઇક્રોન (બી.1.1.529) વેરિઅન્ટ તેમ જ એના વંશના અન્ય વાઇરસ બીએ.1 મહારાષ્ટ્ર તેમ જ અન્ય રાજ્યોમાં ડેલ્ટા વેરિઅન્ટને સ્થાને પોતાનો પ્રસાર વધારી રહ્યા છે. 
બીએ.1 એના ઝડપી પ્રસાર અને મૂળ ઓમાઇક્રોનના કેટલાક વ્યાખ્યાયિત મ્યુટેશન્સ વધુ પ્રસારણક્ષમતા ધરાવે છે તેમ જ હાલમાં દેશમાં એનો પ્રભાવ સૌથી વધુ છે. અત્યાર સુધીમાં મોટા ભાગના પેશન્ટોમાં સામાન્ય લક્ષણો જોવા મળ્યાં છે તેમ જ હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત પણ પ્રમાણમાં ઓછી જ રહી છે. ઓમાઇક્રોન વાઇરસના વંશમાં એના ઉપરાંત બીએ.1, બીએ.2 અને બીએ.3 એમ કુલ ત્રણ વાઇરસ છે. ક્લિનિકલ સૅમ્પલ્સના કેટલાક સીક્વન્સિગમાં જોવાયું હતું કે બીએ.1ની હાજરી મૂળ ઓમાઇક્રોન સ્ટ્રેન કરતાં વધુ છે. આ તમામ એક જ વંશના હોવાને કારણે આ સૅમ્પલ્સ ઓમાઇક્રોન પૉઝિટિવ હોવાનું ફલિત થાય છે.

રાજનાથ સિંહ કોરોનાગ્રસ્ત

ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ ગઈ કાલે કોરોના-સંક્રમિત થયા હતા. તેમણે ટ્વીટ કરતા કહ્યું હતું કે મને કોરોનાનાં હળવાં લક્ષણો દેખાયાં છે, તેથી હું હૉમ ક્વૉરન્ટીન થયો છું. મારા સંપર્કમાં આવેલા લોકોને આઇસોલેટ થવા તેમ જ ટેસ્ટ કરાવવાની અપીલ કરું છું. લોકસભાના સંસદસભ્ય રાજ્યવર્ધન સિંહ રાઠોડ પણ ગઈ કાલે કોવિડ પૉઝિટિવ થયા હતા. યુનિયન મિનિસ્ટર રાજીવ ચંદ્રશેખર પણ રવિવારે કોરોનાગ્રસ્ત થયા હતા.

કર્ણાટકના મુખ્ય પ્રધાનને કોરોના

કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્માઇને ગઈ કાલે કોરોનાનાં હ‍ળવા લક્ષણો દેખાયાં હતાં. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે તેઓ સ્વસ્થ છે તેમ જ હાલ હૉમ ક્વૉન્ટીન છે. કર્ણાટકના રેવન્યુ પ્રધાન આર. અશોકા અને પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ખાતાના પ્રધાન બી. સી. નાગેશ પણ કોરોના સંક્રમિત થયા હતા.  

નીતિશ કુમારને થયો કોરોના

બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારને પણ કોરોના થયો છે. ડૉક્ટરની સલાહ મુજબ તેઓ હૉમ ક્વૉરન્ટીન છે.

૯ લાખ પ્રિકોશન ડોઝ

ગઈ કાલથી સિનિયર સિટિઝન તેમ જ હેલ્થ વર્કર માટે પ્રિકોશન ડોઝનો પ્રારંભ કરાયો હતો જે અંતર્ગત પહેલા દિવસે કુલ ૯ લાખ જેટલા ડોઝ સમગ્ર દેશમાં આપવામાં આવ્યા હતા તેમ જ કુલ ૮૨ લાખ જેટલા ડોઝ આપવામાં આવ્યા છે. હેલ્થ મિનિસ્ટરીના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં ૧૫૨.૭૮ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. 

1,79,723
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના આટલા નવા કેસ નોંધાયા હતા.

6097
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના આટલા નવા કેસ નોંધાયા હતા.

4033
ભારતમાં ગઈ કાલે ઓમાઇક્રોનના આટલા નવા કેસ નોંધાયા હતા.

236
ગુજરાતમાં ગઈ કાલે ઓમાઇક્રોનના આટલા નવા કેસ નોંધાયા હતા.

national news coronavirus covid19 Omicron Variant