ઉત્તરાખંડમાં વરસાદને કારણે તારાજી મોત તો કેરલામાં ૧૦ ડૅમોમાં રેડ અલર્ટ

19 October, 2021 09:32 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વરસાદને કારણે દિલ્હીમાં ૧૯૬૦ બાદ સૌથી ઠંડું વાતાવરણ, ભારે વરસાદને કારણે કેરલામાં કુલ બાવીસ લોકોનાં મોત, વરસાદ બાદ હવે ડૅમમાંથી છોડવામાં આવનારાં પાણીની ચિંતા

ભારે વરસાદ વચ્ચે રેઇનકોટ અને છત્રી સાથે તાજમહલના પ્રવાસે આવેલા લોકો. (તસવીર : પી.ટી.આઇ.)

ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે તેમ જ ભારે વરસાદને કારણે કેરલામાં ૧૦ ડૅમોને રેડ અલર્ટ આપવામાં આવ્યા છે. ૧૯૬૦ બાદ પહેલી વખત ઑક્ટોબરમાં દિલ્હી સૌથી વધુ ઠંડું રહ્યું છે. રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, પુડુચેરી, હરિયાણા, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને તેલંગણામાં પણ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. હરિદ્વાર અને ઋષિકેશમાં ચારધામની યાત્રાને અટકાવી દેવામાં આવી છે.

ઉત્તરાખંડના પૌરી જિલ્લામાં આવેલા સમખલ પાસે ખડક નીચે દબાઈ જતા નેપાલથી આવેલા ત્રણ મજૂરો જીવતા જ દટાઈ ગયા હતા. બે ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરક કેરલામાં ભારે વરસાદને કારણે અત્યાર સુધી બાવીસ લોકોનાં મોત નીપજ્યાં છે. ત્યાં ડૅમના ઉપરવાસમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે જેથી રાજ્યના ૧૦ ડૅમોમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શબરીમાલાના યાત્રાને પણ હાલ મોકૂફ રાખવામાં આવી છે. પાણીના સ્તરમાં વધારો થતાં કેરલાના કાકી ડૅમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  

national news uttarakhand delhi news kerala