અમેરિકામાં મોદીનું ‘ટૉકિંગ બિઝનેસ, ટૉકિંગ ટેક્નૉલૉજી’

24 September, 2021 10:59 AM IST  |  Washington | Agency

વડા પ્રધાન યુએસના સાતમા પ્રવાસની શરૂઆતમાં કૉર્પોરેટ ક્ષેત્રની ટોચની પાંચ હસ્તીઓને મળ્યા : ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ વધારવા પ્રોત્સાહિત કર્યા

નરેન્દ્ર મોદી વૉશિંગ્ટન ડીસીમાં પહોંચ્યા બાદ ભારતીય સમુદાયને મળ્યા હતા. ઇન્ડિયન ડાયસ્પોરાના પ્રતિનિધિઓ સાથે તેમણે મીટિંગ કરી હતી અને કહ્યું હતું કે ‘અમેરિકામાં ભારતીય સમુદાય જ ભારતની ખરી તાકાત છે.’

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે અમેરિકાના પ્રવાસના પ્રથમ દિવસે અમેરિકી કૉર્પોરેટ જગતના ટોચના પાંચ આગેવાનોને મળ્યા હતા અને ભારતમાં તેમની કંપની મારફત ઇન્વેસ્ટમેન્ટ વધારવા તેમને પ્રોત્સાહિત કર્યા હતા. પાંચેય સાથે તેમની ફળદાયી મંત્રણા રહી હતી. આ આગેવાનો ડ્રૉનથી માંડીને  5G, સેમીકન્ડક્ટર, સોલર અેનર્જી, રિન્યુએબલ એનર્જી, સૉફ્ટવેર અને ડિફેન્સ ક્ષેત્રના હતા.
મોદી ૨૦૧૪માં વડા પ્રધાન બન્યા પછી તેમનો આ સાતમો અમેરિકા-પ્રવાસ છે. તેમણે આ કોપોર઼્રેટ મંત્રણાઓ ‘ટૉકિંગ બિઝનેસ ટૉકિંગ ટેક્નોલૉજી’ની થીમ હેઠળ હતી. મોદી જેમને મળ્યા હતા એમાં ક્વૉલકૉમના સીઈઓ ક્રિસ્ટિયાનો ઍમોન, ફર્સ્ટ સોલરના સીઈઓ માર્ક વિડમાર, બ્લૅકસ્ટોન ગ્રુપના સીઈઓ સ્ટીફન શ્વાર્ઝમૅન, જનરલ ઍટમિકના સીઈઓ વિવેક લાલ, ઍડોબના ચૅરમૅન શાંતનુ નારાયણનો સમાવેશ હતો.
મોદીઅે ગઈ કાલે અમેરિકા સહિત વિવિધ દેશોમાંના ઇન્ડિયન ડાયસ્પોરાને અન્ય સમુદાયો કરતાં અસાધારણ ગણાવીને અેને બિરદાવ્યું હતું અને અહીં આવી પહોંચતાં જ કહ્યું હતું કે અમેરિકામાં અને અન્ય દેશોમાં ભારતીય સમુદાય જ ભારતની ખરી તાકાત છે.’
મોદી અમેરિકા સાથેના ભારતના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરવા આવ્યા છે.
કોવિડ-19ને લગતાં નિયંત્રણોને કારણે મોદીની ઇન્ડિયન ડાયસ્પોરા સાથેની મીટિંગ કે મેળાવડામાં મોટી સંખ્યામાં લોકોની હાજરી નહીં હોય.
જો બાઇડન અમેરિકાના પ્રમુખ બન્યા ત્યાર પછી મોદી પહેલી વાર તેમને રૂબરૂ મળશે. તેઓ અફઘાનિસ્તાનની જટિલ અને નાજુક પરિસ્થિતિ વિશે તેમ જ વિશ્ર્વભરમાં ફેલાયેલા તેમ જ ભારતને પરેશાન કરી રહેલા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ બાબતમાં ચર્ચા કરશે. ઉપપ્રમુખ કમલા હેરિસ સાથેની મોદીની મંત્રણા પણ એમના આ પ્રવાસમાં અગ્રસ્થાને છે.

મોદી વિમાનમાં પણ વ્યસ્ત
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દરરોજ કલાકોના કલાકો પોતાના કામમાં બિઝી રહેવા માટે જાણીતા છે જ, બુધવારે અમેરિકા પહોંચતાં પહેલાં લાંબા પ્રવાસ દરમ્યાન પણ તેમણે વિમાનમાં મહત્ત્વના દરસ્તાવેજો અને ફાઇલો પર નજર કરી જવાનો મોકો નહોતો છોડ્યો.

national news narendra modi