નરેન્દ્ર મોદીએ કરી ડિજીટલ સન્યાસની જાહેરાત, સોશ્યલ મીડિયામાં હાહાકાર

03 March, 2020 11:47 AM IST  |  Delhi | Mumbai Desk

નરેન્દ્ર મોદીએ કરી ડિજીટલ સન્યાસની જાહેરાત, સોશ્યલ મીડિયામાં હાહાકાર

તસવીર સૌજન્ય - એએફપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે તેઓ આ રવિવારથી પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ બંધ કરી દેશે અને બધા સોશ્યલ મીડિયા પર આ જ વાતની ચર્ચા ચાલી. મોદીના આ ટ્વિટમાં તેમણે લખ્યું છે કે તેઓ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબનાં પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સનો ઉપયોગ બંધ કરવા માગે છે, આ એકાઉન્ટ્સને 'ગિવ અપ' કરવા માગે છે અને તે પણ આ રવિવારથી અને ઉમેર્યું છે કે તેઓ તેમના ફોલોઅવર્સને આ વિચાર અંગે જણવાશે, 'પોસ્ટેડ' રાખશે.

ભારતીય જનતા પક્ષ જ્યારથી સત્તા પર આવ્યો છે ત્યારથી અને તે પહેલાં પણ સોશ્યલ મીડિયા આ પક્ષ માટે બહુ જરૂરી માધ્યમ રહ્યું છે જેના થકી પક્ષનાં વિચાર, નેતૃત્વના વિધાનો લોકો સુધી પહોંચ્યા છે. સોમવારે રાત્રે 9.00 વાગ્યે કરેલી આ જાહેરાતને પગલે વડાપ્રધાનને જવાબ આપનારાઓની સંખ્યા 1 લાખ જેટલી થઇ તો તેમના ટ્વિટને રિટ્વિટર કરનારાનો આંકડો 47,000ની આસાપસ પહોંચ્યો. 2009માં મોદીએ ટ્વિટર અને ફેસબુક પર એકાઉન્ટ્સ શરૂ કર્યા હતા અને પછીથી તો તેમની દરેક પોસ્ટ અનેકવાર શેર થતી હતી. મોદીએ જ્યારે એવા લોકોનાં એકાઉન્ટ્સ ફોલો કર્યા જે લોકોને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરતા હોય, પત્રકારોને ટાર્ગેટ કરતા હોય ત્યારે તેમને વખોડવામાં પણ આવ્યા.  દિલ્હીમાં થઇ રહેલી હિંસાને પગલે તેમની પ્રતિક્રિયા સોશ્યલ મીડિયા પર મોડી આવી તેને કારણકે પણ તેમને ટાર્ગેટ કરાયા હતા અને લોકોએ પુછ્યું હતું કે શા માટે તેઓ આ મામલે મોડા પડ્યા. મોદીએ સોશ્યલ મીડિયા છોડવાની વાત કરી અને તરત જ વિરોધ પક્ષે આ મુદ્દાને બહુ તીખી ટિપ્પણી સાથે ટાંક્યો. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં મોદીને ધિક્કાર છોડવાની સલાહ આપી અને કહ્યું કે સોશ્યલ મીડિયા છોડવાની જરૂર નથી. 

 શશી થરૂરે પોતાના અઘરા અંગ્રેજીને બદલે થોડા સરળ લાગતા અંગ્રેજીમાં કંઇક એવા અર્થનું ટ્વિટ કર્યું કે વડાપ્રધાનની આ પહેલ એવો ઇશારો તો નથીને કે આ બધા પ્લેટફોર્મ્સ આખા દેશમાં જ પ્રતિબંધિત થઇ જશે.

વળી સોશ્યલ મીડિયા પર #NoModiNoTwitterનો હેશ ટેગ પણ ટ્રેન્ડ કરવા માંડ્યો. વડાપ્રધાનનાં અનુયાયીઓએ પોતે પણ મોદી વગર ટ્વિટર પર નહીં રહે તેવો ટહૂકો કર્યો હતો, પેશ છે આવા જ અર્થનાં કેટલાક ટ્વિટ, જુઓ શું કહી રહ્યા છે વડાપ્રધાનને અનુસરનારાઓ.

વળી મિમ મેકર્સ માટે આ આખો મુદ્દો નવી રમુજ ઘડવાનો થઇ ગયો અને તેમણે કંઇક આ રીતે બનાવ્યા મિમ્સ..

 વડાપ્રધાનનાં ફોલોઅર્સનો અધધધ આંકડો

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પછી અગર કોઇ સોશ્યલ મીડિયા પર સૌથી વધુ ફૉલો થતું હોય તો તે નરેન્દ્ર મોદી છે. મોદીનાં 5 કરોડ 33 લાખથી વધારે ફૉલોઅર્સ છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પનાં 7 કરોડ 32 લાખ ફૉલોઅર્સ છે. વડાપ્રધાન મોતે 2372 લોકોને ફૉલો કરે છે. ફેસબુક પેજ પર તેમનાં 4 કરોડ, 47 લાખ 33 હજાર લાઇક્સ છે જ્યારે 4 કરોડ 46 લાખ 10 હજાર 232 ફૉલોઅર્સ છે. ઇનસ્ટા પર તેમને ફૉલો કરનારાનો આંકડો 52 લાખ છે.

narendra modi twitter instagram shashi tharoor rahul gandhi youtube facebook