વચગાળાના બજેટમાં મોદી સરકાર કરી શકે છે 5 મોટી જાહેરાત

16 January, 2019 10:06 AM IST  | 

વચગાળાના બજેટમાં મોદી સરકાર કરી શકે છે 5 મોટી જાહેરાત

સરકાર આપી શકે છે રાહતો

આગામી બે મહિના બાદ દેશમાં લોકસભાની ચૂંટણી થશે. પરંતુ એ પહેલા 1 ફેબ્રુઆરીએ મોદી સરકાર વચગાળાનું બજેટ રજૂ કરશે. મોદી સરકારના પાછલા પાંચ બજેટની વાત કરીએ તો તમામ બજેટ સંતુલિત હતા. પરંતુ ચૂંટણી પહેલાનું બજેટ કેટલું સંતુલિત હશે તે એક સવાલ છે. કારણ કે આ બજેટની સીધી જ અસર લોકસભાની ચૂંટણી પર પડશે. એટલે મોદી સરકારને જનતાને નિરાશ કરવાનું પાલવે તેમ નથી. એટલે જ આ બજેટમાં જનતા પર રાહતોનો વરસાદ થાય તેવી શક્યતાઓ છે.

આમ તો મોદી સરકારે ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપીને જ સંકેત આપી દીધો છે કે તેમની પાસે પ્રજા માટે હજી ઘણા સારા સમાચાર છે. કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે સંસદમાં અનામત પર ચર્ચા દરમિયાન કહ્યું હતું કે જો વિપક્ષ એમ માને છે કે મોદી સરકાર લોકસભા ચૂંટણીને લઈ આ મહત્વની જાહેરાત કરી રહી છે તો તે સત્ય છે. એક નહીં હજી બીજી ઘણી મોટી જાહેરાતો થવાની છે.

મળતી માહિતી પ્રમાણે વચગાળાના બજેટમાં મોદી સરકાર સામાન્ય જનતા માટે 5 મહત્વની જાહેરાત કરી શકે છે.

1) ખેડૂતો પર મહેરબાન થઈ શકે છે સરકાર

મોદી સરકાર ચૂંટણી પહેલા ગમે તે રીતે ખેડૂતોને ખુશ કરવા ઈચ્છે છે. એક અંદાજ પ્રમાણે મોદી સરકાર ખેડૂતોને દરેક સિઝનમાં 4 હજાર રૂપિયા પ્રતિ એકરના હિસાબથી આર્થિક મદદ જાહેર કરી શકે છે, અને આ રકમ સીધી જ ખેડૂતોના બેન્ક ખાતામાં મોકલવા પર વિચાર થઈ રહ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સરકાર વચગાળાના બજેટમાં આ જાહેરાત કરી શકે છે.

2) ઘર થઈ શકે છે સસ્તું

આમ તો મોદી સરકાર 2022 સુધી તમામ માટે આવાસનો નારો લઈને ચાલી રહી છે. પરંતુ લોકસભા ચૂંટણી પહેલા મધ્યમ વર્ગને ખુશ કરવા માટે મોદી સરકાર હોમ લોનના વ્યાજ દરમાં રાહત આપી શકે છે. હોમ લોનના વ્યાજ દરમાં છૂટની સાથે સરકાર GST દ્વારા પણ ઘર ખરીદવા ઈચ્છથા મધ્યમ વર્ગના પરિવારને રાહત આપવા પર વિચાર કરી રહી છે. સરકાર અન્ડર કંસ્ટ્રક્શન ફ્લેટ અને મકાન પર GST ઘટાડી શકે છે. હાલ અન્ડર કંસ્ટ્રક્શન મકાનો પર 12 ટકા GST લાગે છે, જેને 5 ટકાના સ્લેબમાં લાવી શકાય છે. આમ કરવાથી મકાનો સસ્તા થઈ શકે છે.

3) આવક વેરામાં મળશે રાહત ?

મોદી સરકાર વચગાળાના બજેટમાં આવક વેરાની મર્યાદા વધારીને પણ મિડલ ક્લાસને ખુશ કરી શકે છે. હાલ આવક વેરાની મર્યાદા 2.5 લાખ રૂપિયા સુધીની છે. શક્યતા મુજબ મોદી સરકાર તેને 3 લાખથી 5 લાખ કરી શકે છે. હાલના ટેક્સ સ્લેબ પ્રમાણે 2.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નથી આપવો પડતો. જ્યારે 2.5 થી 5 લાખની આવક પર 5 ટકા ટેક્સ આપવો પડે છે.

4) વધી શકે છે પેન્શન

મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી વરિષ્ઠ નાગરિકોને અપાતા પેન્શનમાં વધારાની માગ કરાઈ રહી છે. પરંતુ હાલ 2007 મુજ પ્રતિ મહિને 200 રૂપિયા પેન્શન જ મળી રહ્યું છે. એટલે કે છેલ્લા 11 વર્ષથી તેમાં કોઈ વધારો નથી થયો. એક અંદાજ મુજબ વચગાળાના બજેટમાં કેન્દ્ર સરકાર આ આંકડો વધારી શકે છે. આ મામલે સરકારના તમામ મંત્રાલયો મનોમંથન કરી રહ્યા છે. જો કે પેન્શન 200થી વધારીને કેટલું કરાશે તે હજી સામે નથી આવ્યું.

આ પણ વાંચોઃ 1 ફેબ્રુઆરીએ રજૂ થશે વચગાળાનું બજેટ, સંસદ સત્ર ચાલશે 31 જાન્યુ.થી 1 ફેબ્રુ. સુધી

5) નાના વેપારીઓને રાહત

પાછલા કેટલાક દિવસોમાં નાના વેપારીઓને રાહત આપતા GST કાઉન્સિલે GSTમાં છૂટની મર્યાદા વધારીને વાર્ષિક 40 લાખ રૂપિયા કરી છે. એટલે કે 40 લાખના ટર્ન ઓવરવાળા વેપારીઓ હવે GSTમાં નહીં આવે. આ ઉપરાંત સરકાર નાના વેપારીઓને સસ્તામાં લોન આપવા માટે વિચાર કરી રહી છે. નાના વેપારીઓને વ્યાજમાં 2 ટકા સુધઈની છૂટ મળી શકે છે. જેનો ફાયદો GST અંતર્ગત રજિસ્ટર્જ નાના વેપારીઓને મળશે. આ ઉપરાંત સરકાર નાના વેપારીઓને મફતમાં દુર્ઘટા વીમો પણ આપી શકે છે. જેની રકમ 5 થી 10 લાખ સુધીની હોઈ શકે છે.

arun jaitley national news