મનસેના ભૂતપૂર્વ પદાધિકારીની પથ્થરથી માથું છૂંદીને કરાઈ હત્યા

26 August, 2019 12:04 PM IST  |  જળગાંવ

મનસેના ભૂતપૂર્વ પદાધિકારીની પથ્થરથી માથું છૂંદીને કરાઈ હત્યા

સાંઈબાબા મંદિર પાસે પડેલો શ્યામ દીક્ષિતનો મૃતદેહ.

શહેરના કાસમવાડી પરિસરમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ-મનસે)ના ભૂતપૂર્વ પદાધિકારી શ્યામ દીક્ષિતની અજાણ્યા હત્યારાઓએ પથ્થર વડે માથું છૂંદીને હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. રાત્રે શ્યામ દીક્ષિત પર હુમલો કર્યા બાદ હત્યારાઓ પલાયન થઈ ગયા હતા. રવિવારે સવારે તેમનો મૃતદેહ એક મંદિર પાસે જોવા મળ્યો હતો.

રવિવારે સવારે લોકો કાસમવાડીમાં આવેલા સાંઈબાબાના મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે તેઓએ માથું છૂંદી નાખેલો એક મૃતદેહ મંદિર નજીક પડેલો જોયો હતો. લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ-ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસે મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો અને મૃત્યુ પામનારે પહેરેલાં કપડાંમાંથી મળી આવેલા કાર્ડના આધારે તે મનસેનો ભૂતપૂર્વ પદાધિકારી શ્યામ દીક્ષિત હોવાનું જણાયું હતું.

શ્યામ દીક્ષિત મનસેના શહેર ઉપાધ્યક્ષ હતા. તેમની હત્યા શા માટે અને કોણે કરી એની અટકળો લગાવાઈ રહી છે. પોલીસને ઘટનાસ્થળેથી શ્યામનો મોબાઇલ મળ્યો છે. જોકે એ લૉક હોવાથી છેલ્લે તેમણે કોની સાથે વાત કરી હતી એ જાણી શકાયું ન હોવાથી મોબાઇલને એક્સપર્ટ પાસે મોકલવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : PM મોદી બન્યા અન્ય દેશોમાં સૌથી વધુ અવૉર્ડ પામનાર વ્યક્તિ, મળ્યા છે આ અવૉર્ડ

જોકે પોલીસે એના ફોન-નંબર પરથી એનું છેલ્લું લોકેશન અને કૉલ-ડિટેલ જાણવા માટેની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

jalgaon national news