મીરાબાઈ ચાનુને મણિપુર સરકારની ભેટ, સ્પોર્ટ્સ ક્ષેત્રમાં આપ્યું આ પદ

26 July, 2021 07:47 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ટોક્યો ઓલિમ્પિકમાં રજત મેડલ સિદ્ધ કરનાર મીરાબાઈ ચાનુને મણિપુર સરકાર તરફથી ભેટ આપવામાં આવી છે.

મીરાબાઈ ચાનુ

મણીપુર સરકારે ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympic)માં દેશ માટે રજત પદક જીતનાર મહિલા વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ (Mirabai chanu)ને ભેટ આપી છે. મણિપુર સરકારે મીરાબાઈ ચાનુની એએસપી (સ્પોર્ટસ)) ના પદ પર નિમણૂક કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે રાજ્ય સરકાર દ્વારા તેમને એક કરોડ રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવશે. આ માહિતી મણિપુરના મુખ્યમંત્રી સચિવાલય દ્વારા આપવામાં આવી છે. 

મીરાબાઈ ચાનુ ટોક્યોથી ઘરે પરત પહોંચ્યા 

મીરાબાઈ ચાનુ (Mira bai chanu)આજે ટોક્યોથી ઘરે પરત આવ્યા છે. મીરાબાઈ ચાનુ ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર દેશની પ્રથમ મહિલા વેઇટલિફ્ટર છે. વર્ષ 2000 ની શરૂઆતમાં કર્ણમ મલ્લેશ્વરીનએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

દેશ પરત ફરતાં મીડિયા સાથે વાત કરતા મીરબાઈ ચાનુએ કહ્યું હતું કે, "તે મારા માટે ખૂબ જ પડકારજનક હતું, મારુ અને સર (કોચ) નું ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું સ્વપ્ન હતું. રિયો ઓલિમ્પિક્સમાં હું મેડલ મેળવી શકી ન હતી, તે પછી અમે સખત મહેનત કરી. મેં રિયો ઓલિમ્પિક્સમાંથી ઘણું શીખ્યું."

મીરાબાઈ ચાનુ સોમવારે ઘરે પરત ફર્યા ત્યારે એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. ચાનુ સુરક્ષા કર્મચારીઓની વચ્ચે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથકની બહાર આવ્યા ત્યારે તેમના ચહેરા પર માસ્ક હતું. અહીં પહોંચ્યા બાદ તેમણે ટ્વિટ કર્યું હતું કે,"આટલો પ્રેમ અને સમર્થન વચ્ચે અહીં પરત ફરવાની ખુશી છે. ખૂબ ખૂબ આભાર.`` આ 26 વર્ષીય મહિલા ખેલાડીને `ભારત માતા કી જય`ના નારા સાથે આવકારવામાં આવ્યા હતા અને રમતગમત ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સહિતના લોકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી.

 મણિપુરના મીરા બાઈ ચાનુએ શનિવારે 49 કિગ્રા વર્ગમાં કુલ 202 કિગ્રા (87 કિગ્રા + 115 કિગ્રા) ઉપાડીને સિલ્વર મેડલ મેળવ્યો હતો. અગાઉ કર્ણમ મલ્લેશ્વરીએ 2000માં સિડની ઓલિમ્પિક્સમાં વેઇટ લિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મીરાબાઈ ચાનુ ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન અને કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણચંદ્રક વિજેતા પણ છે.

national news sports news tokyo tokyo olympics 2020