02 June, 2025 07:16 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે પહેલી જૂનથી ૩૦ જૂન સુધીના સમયગાળા દરમ્યાન ઑપરેશન સિંદૂર થીમ પર નિબંધસ્પર્ધાની જાહેરાત કરી છે. ટોચના ત્રણ વિજેતાઓને ૧૦,૦૦૦ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે અને લાલ કિલ્લા ખાતે ૭૮મા સ્વતંત્રતાદિવસની ઉજવણીમાં હાજરી આપવા માટેનું વિશિષ્ટ આમંત્રણ મળશે.
આ નિબંધસ્પર્ધામાં પ્રતિ વ્યક્તિ એક એન્ટ્રી હિન્દી અથવા અંગ્રેજીમાં સ્વીકારવામાં આવશે. સહભાગીઓ https://mygov.in પર તેમની એન્ટ્રી ૩૦ જૂન સુધીમાં સબમિટ કરી શકે છે.
બાવીસમી એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકોએ ગુમાવેલા જીવનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં ૯ આતંકવાદી અડ્ડાઓને નિશાન બનાવવા માટે ઑપરેશન સિંદૂર ૭ મેની રાત્રે શરૂ કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે આતંકવાદનો સામનો કરવા માટે નવા માપદંડો સ્થાપિત કર્યા છે, જેમાં ઑપરેશન સિંદૂર ભારતના આતંકવાદવિરોધી અભિગમમાં પરિવર્તન દર્શાવે છે.