24 March, 2026 09:09 AM IST | Iran | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે શ્રીનગર અને બડગામમાં ઈરાન માટે સોનું, ચાંદી અને કૅશ દાનમાં આપતા કાશ્મીરીઓ.
સોશ્યલ મીડિયા પર એક વિડિયો સામે આવ્યો છે જેમાં કાશ્મીરના બડગામના સ્થાનિક લોકો અમેરિકા અને ઇઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ઈરાન સાથે એકતા દર્શાવવા માટે સોના-ચાંદી અને રોકડ દાન કરી રહ્યાં છે. વિડિયોમાં દેખાય છે કે બડગામના રહેવાસીઓ ઈરાનને સમર્થન આપવા માટે કીમતી વસ્તુઓ અને રોકડનું દાન કરવા માટે એકઠા થયા હતા. લોકો એક સ્થળે ભેગા થઈને ઘરેણાં અને રોકડ દાન એકસાથે મૂકતાં દેખાતાં હતાં.
બડગામના વિધાનસભ્ય મુન્તઝીર મેહદીએ પણ ઈરાન સાથે એકતા વ્યક્ત કરી અને જાહેરાત કરી કે તેઓ રાહતપ્રયાસો માટે એક મહિનાનો પગાર દાન કરશે. તેમણે સોશ્યલ મીડિયામાં લખ્યું કે ‘આ મુશ્કેલ સમયમાં હું ઈરાનના લોકો સાથે ઊભો છું. સમર્થનના નાના સંકેત તરીકે હું મારા એક મહિનાનો પગાર રાહત પ્રયાસો માટે દાન કરી રહ્યો છું. માનવતા દરેક વસ્તુથી આગળ આવવી જોઈએ. ’
આ મુદ્દે બડગામના મોહસિન અલીએ કહ્યું હતું કે ‘અમે દાન એકત્રિત કરવાના ઉમદા હેતુથી મસ્જિદ ઇમામ ઝમાન ખાતે એક સ્ટૉલ લગાવ્યો છે. અમારી માતાઓ અને બહેનો ઘરેણાં અને રોકડનું દાન કરી રહી છે જેથી અમે ઈરાનને એની વર્તમાન પરિસ્થિતિમાં મદદ કરી શકીએ.’
મિડલ-ઈસ્ટ સંઘર્ષ દરમિયાન મદદ પૂરી પાડવા બદલ ઈરાને ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો. કાશ્મીરના લોકોએ સંઘર્ષથી પ્રભાવિત ઈરાનના લોકોને મદદ કરવા માટે સોનું અને રોકડ દાન કર્યાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં ભારતમાં ઈરાની દૂતાવાસે ટ્વીટ કર્યું હતું કે અમે તમારી દયા અને માનવતા ક્યારેય નહીં ભૂલીએ. ભારતનો આભાર.અગાઉ ઈરાને અનેક ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી પણ આપી હતી.