ઘણા કૉન્ગ્રેસી નેતાઓ મારા સંપર્કમાં છે : અમરિન્દર ​સિંહ

28 October, 2021 12:40 PM IST  |  Chandigarh | Agency

ચૂંટણી પંચ દ્વારા નામ મંજૂર થતાં જ પક્ષ જાહેર કરીશ, નવા કૃષિ કાયદા મામલે આજે અમિત શાહને મળશે

ઘણા કૉન્ગ્રેસી નેતાઓ મારા સંપર્કમાં છે : અમરિન્દર ​સિંહ

બુધવારે પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહે નવો રાજકીય પક્ષ સ્થાપવાની જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું હતું કે કૉન્ગ્રેસમાંથી ઘણા લોકો તેમના સંપર્કમાં છે. ચૂંટણી આયોગ દ્વારા નામ અને પ્રતીક મંજૂર થતાં જ તેઓ પક્ષની જાહેરાત કરશે.
ગયા મહિને મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું આપ્યા પછીની પહેલી પત્રકાર પરિષદમાં અમરિન્દર સિંહે કહ્યું હતું કે અત્યારે હું પક્ષનું નામ જાહેર કરી શકું એમ નથી. ચૂંટણી આયોગની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. તેમણે એવું પણ કહ્યું હતું કે ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે તેઓ ગુરુવારે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહને મળવાના છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કૉન્ગ્રેસમાંથી ઘણા તેમના સપોર્ટમાં છે, જેઓ સમય આવતા જાહેરમાં સામે આવશે. કૉન્ગ્રેસમાંથી હજી રાજીનામું ન આપવાના પ્રશ્ન સામે કૅપ્ટને કહ્યું હતું કે હું પચાસ વર્ષથી કૉન્ગ્રેસમાં છું, વધુ ૧૦ દિવસ રહીશ તો એનાથી શું ફરક પડશે.
બીએસએફની સત્તાનો વ્યાપ વધારીને ૫૦ કિલોમીટર સુધી કરવાના કેન્દ્રના નિર્ણયને યોગ્ય ગણાવતાં કહ્યું હતું કે બીએસએફ પંજાબ સરકારની સત્તાને આંચકી નહીં લે. હાલની કૉન્ગ્રેસ સરકાર સલામતીના પ્રશ્નની ભારે અવગણના કરી રહી છે. 

punjab national news