તહેવારોમાં દેશમાં ઉત્પાદિત વસ્તુઓની ખરીદી કરવા વડા પ્રધાનની અપીલ

25 October, 2021 10:57 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આપણા ઘર સાથે ઘરની આસપાસના પરિસરને પણ સ્વચ્છ રાખવો જોઈએ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશવાસીઓને અપીલ કરી હતી કે તહેવારોના દિવસોમાં સ્થાનિક સ્તરે ઉત્પાદિત થયેલી ચીજવસ્તુઓની ખરીદી કરે. તેમણે લોકોને તહેવારોમાં આસપાસના પરિસરને સ્વચ્છ રાખવાની પ્રતિજ્ઞા લેવા પણ કહ્યું હતું.

પોતાના ‘મન કી બાત’ સંબોધનમાં વડા પ્રધાને કહ્યું હતું કે દેશમાં ઉત્પાદિત થયેલી વસ્તુ ખરીદવાથી કોઈ ભાઈ કે બહેન અથવા કલાકારના ઘરે સકારાત્મકતાનો પ્રકાશ પાથરી શકાશે. તેમણે એવું પણ કહ્યું હતું કે ‘સ્વચ્છતાના પ્રયાસો ત્યારે જ સફળ થશે જ્યારે આપણે સમજીશું કે સ્વચ્છતા જાળવવી એ આપણા સૌની જવાબદારી છે. આપણા ઘર સાથે ઘરની આસપાસના પરિસરને પણ સ્વચ્છ રાખવો જોઈએ. સ્વચ્છતા સાથે સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો પણ વપરાશ ટાળવો જરૂરી છે. આપણે સાથે મળીને પ્રતિજ્ઞા કરીએ કે સ્વચ્છ ભારત અભિયાનના ઉત્સાહને આપણે ઓસરવા નહીં દઈએ અને સાથે મળી દેશને સ્વચ્છ કરીશું તેમ જ સ્વચ્છ રાખીશું.’

વડા પ્રધાને કહ્યું હતું કે ‘ઑક્ટોબર મહિનો તહેવારોથી ભર્યો ભર્યો હતો અને આવનારા દિવસોમાં દિવાળી આવી રહી છે. સાથે ગુરુનાનક જયંતી પણ છે. આટલા બધા તહેવારો સાથે આવતા હોય ત્યારે એની તૈયારી માટે પણ લાંબો સમય જોઈએ.’ આ તહેવારોમાં વડા પ્રધાને લોકોને સ્થાનિક સ્તરે ઉત્પાદિત ચીજવસ્તુઓની ખરીદી માટે પ્રોત્સાહિત કર્યા હતા અને સ્થાનિક ઉત્પાદનોના વેચાણને વેગ આપવા સૂચવ્યું હતું.

national news new delhi mann ki baat