16 July, 2023 12:24 PM IST | imphal | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મણિપુર (Manipur)ના ઇમ્ફાલ (Imphal)પૂર્વ જિલ્લાના સવોમ્બુંગ વિસ્તારમાંથી એક ઘટના સામે આવી છે. અહીં શનિવારે સાંજે એક મહિલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હથિયારધારીઓએ મહિલાનો ચહેરો પણ વિકૃત કરી નાખ્યો હોવાની માહિતી મળી રહી છે. ગૃહ પ્રધાન અમિત શાહની મુલાકાત પરિસ્થિતિને શાંત કરવામાં નિષ્ફળ રહી અને આ બીજી હત્યા દર્શાવે છે કે રાજ્ય હજી સામાન્ય સ્થિતિમાં પાછું આવ્યું નથી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ એક 50 વર્ષીય મહિલાના નિવાસસ્થાન પર કેટલાક વ્યક્તિઓએ શસ્ત્રો સાથે આવ્યા હતા. આ લોકોએ મહિલાના ચહેરા પર ગોળી મારી હતી. ઉપરાંત બંદૂકધારીઓએ ભાગતા પહેલા મહિલાનો ચહેરો પણ સંપૂર્ણ રીતે ખરાબ કરી નાખ્યો હતો.
પીડિતા મારિંગ નાગા સમુદાય માંથી આવે છે. એવી પણ માહિતી સામે આવી છે કે તે માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓથી પીડિત છે. હાલમાં આ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. પોલીસ કર્મચારીઓ શંકાસ્પદ હથિયારધારી શખ્સોને પકડવા આસપાસના વિસ્તારો અને ઘરોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
હિંસાગ્રસ્ત મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાંથી બીજી પણ એક ઘટનાની માહિતી મળી રહી છે. અહીં શનિવારે ત્રણ ખાલી ટ્રકોને આગ લગાડવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, “હિંસાની આ તાજેતરની ઘટના સેકમાઈ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના અવાંગ સેકમાઈમાં બની હતી. એલપીજી સિલિન્ડરોના પરિવહન માટે ઉપયોગમાં લેવાતી ટ્રકને આગ લગાડવામાં આવી હતી. જ્યારે તે મેદાનમાં પાર્ક કરવામાં આવી હતી ત્યારે આગ લગાડવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે.
અનુસૂચિત જનજાતિ (ST)ના દરજ્જાની મેઇતેઈ સમુદાયની માગણી સામે 3 મેના રોજ ત્યાં આદિવાસી એકતા કૂચ યોજાઈ હતી. ત્યારબાદથી ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરમાં હિંસા ફાટી નીકળી છે. હિંસામાં અત્યાર સુધીમાં 150થી વધુ લોકોના મોત થયા છે. તો 1000થી પણ વધુ લોકો ઘાયલ થયા છે. 65,000થી વધુ લોકોને તેમના ઘર છોડી દીધા છે.
ઉલ્લેખનીય છે કે અહીં ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા પણ મુલાકાત કરવામાં આવી હતી. પરંતુ તેમની મુલાકાત પરિસ્થિતિને શાંત કરવામાં નિષ્ફળ રહી હોય તેવું સાબિત થઈ રહ્યું છે. આ બીજી હત્યા દર્શાવે છે કે રાજ્યમાં હજી સામાન્ય સ્થિતિ પૂર્વવત થઈ નથી. મણિપુરમાં 53 ટકાની વસ્તી સાથે મેઇટીસ બહુમતીમાં છે જ્યારે નાગા અને કુકી રાજ્યની બાકીની 40 ટકા વસ્તી ધરાવે છે. જ્યારે મેઈટીસ ઈમ્ફાલ ખીણ વિસ્તારમાં રહે છે, ત્યારે નાગાઓ અને કુકીઓ પહાડી જિલ્લાઓ પર કબજો કરે છે.
આ ઘટના બાદ પોલીસ હાઈ એલર્ટ પર આવી ગઈ છે. દસ દિવસ પહેલા 6 જુલાઈએ મણિપુરના ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં આવી જ એક ઘટના સામે આવી હતી. શાળાની બહાર એક મહિલાને ગોળી વાગી હતી.