દિલ્હી ઍરપોર્ટ પર કસ્ટમ્સે પકડી ૨૭ કરોડની ઘડિયાળ

07 October, 2022 08:22 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દુબઈથી આવેલા પ્રવાસીની ઝડતી લેવામાં આવતાં તેની પાસેથી એક હીરાજડિત બ્રેસલેટ અને એક આઇફોન 14 પ્રો પણ જપ્ત કરવામાં આવ્યો હતો

જોઈ લો કસ્ટમ અધિકારીઓએ જપ્ત કરેલી ૨૭ કરોડ રૂપિયાની સોનાની અને હીરાજડિત ઘડિયાળ

દિલ્હી ઍરપોર્ટ પરથી ગઈ કાલે કસ્ટમ અધિકારીઓએ હીરાજડિત સોનાની ૨૭ કરોડ રૂપિયાની એક ઘડિયાળ સહિત કુલ ૭ ઘડિયાળ જપ્ત કરી હતી. દુબઈથી આવેલા પ્રવાસીની ઝડતી લેવામાં આવતાં તેની પાસેથી એક હીરાજડિત બ્રેસલેટ અને એક આઇફોન 14 પ્રો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. ડ્યુટી ચૂકવ્યા વગર જ આવી લક્ઝરી વસ્તુઓની દાણચોરી કરવાનો પ્રયાસ થયો હતો. અમેરિકાના જ્વેલર અને ઘડિયાળના નિર્માતા જેકબ ઍન્ડ કંપની દ્વારા બનાવવામાં આવેલી આ સોનાની ઘડિયાળ ૧૮ કૅરૅટ વાઇટ ગોલ્ડ સેટમાંથી બનાવવામાં આવી છે અને એમાં ૭૬ હીરા જડવામાં આવ્યા છે. ડાયલ પણ હીરાજડિત છે, જેની કિંમત ૨૭,૦૯,૨૬,૦૫૧ રૂપિયા હતી. મુસાફરની સામાનની ચકાસણી કરતાં અન્ય ૬ કાંડાઘડિયાળ પણ મળી આવી હતી, જેમાં એક પિગેટ લાઇમલાઇટ અને પાંચ રૉલેક્સનો સમાવેશ છે. પિગેટની કિંમત અંદાજે ૩૧ લાખ રૂપિયા અને રૉલેક્સની કિંમત ૧૫ લાખ રૂપિયા છે. 

national news new delhi