ક્યારેક ડૉક્ટર, ક્યારેક પ્રોડ્યુસર, ક્યારેક બિઝનેસમૅન

17 April, 2026 12:28 PM IST  |  West Bengal | Gujarati Mid-day Correspondent

ડેટિંગ ઍપ પર ૫૦૦ મહિલાઓને પ્રેમજાળમાં ફસાવનારો પકડાયો, કુલ બે કરોડ રૂપિયા પડાવ્યા

દિલ્હી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

ડેટિંગ ઍપ્લિકેશન્સ પર પોતાની ખોટી ઓળખ આપીને નિર્દોષ મહિલાઓને પ્રેમજાળમાં ફસાવીને લાખો રૂપિયા પડાવનારા આનંદ કુમાર નામના એક રીઢા ઠગની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. પશ્ચિમ બંગાળમાં રહેતા આરોપીએ અત્યાર સુધીમાં અંદાજે ૫૦૦થી વધુ મહિલાઓ સાથે કુલ બે કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ડેટિંગ ઍપ્સ પર ક્યારેક ડૉક્ટર, ક્યારેક પ્રોડ્યુસર તો ક્યારેક મોટા ઉદ્યોગપતિ તરીકે પ્રોફાઇલ બનાવતો હતો. તે મહિલાઓ સાથે નિકટતા કેળવીને તેમને પ્રેમ અને લગ્નની લાલચ આપતો હતો. એક વાર વિશ્વાસ સંપાદિત કર્યા પછી તે નકલી મેડિકલ ઇમર્જન્સીનું બહાનું કાઢીને મહિલાઓ પાસેથી નાણાં પડાવતો હતો.

૪ ફોન, ૮ સિમ-કાર્ડ

પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીએ અત્યાર સુધીમાં મહિલાઓ પાસેથી અંદાજે બે કરોડ રૂપિયા પડાવ્યા છે. તેની ધરપકડ દરમ્યાન પોલીસે તેની પાસેથી ૪ મોબાઇલ ફોન અને ૮ સિમ કાર્ડ જપ્ત કર્યાં છે, જેનો ઉપયોગ તે અલગ-અલગ ઓળખ ઊભી કરવા માટે કરતો હતો.

કેવી રીતે ફસાવતો?

આરોપી અત્યંત ચાલાકીથી મહિલાઓને પોતાની જાળમાં ફસાવતો હતો. ભાવનાત્મક રીતે મહિલાઓને નબળી પાડી પોતાની સાથે કોઈ અઘટિત ઘટના બની છે અથવા કોઈ ગંભીર બીમારીનું ઑપરેશન છે એવું કહીને તે ઇમર્જન્સીમાં પૈસા માગતો હતો. મહિલાઓ મદદના આશયથી તેને પૈસા આપતી હતી. ત્યાર બાદ તે સંપર્ક કાપી નાખતો હતો. આ કૌભાંડમાં અન્ય લોકો સામેલ છે કે કેમ એ જાણવા દિલ્હી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

national news india west bengal sexual crime Crime News delhi police