28 January, 2026 10:13 AM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent
મમતા કુલકર્ણી
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પર કમેન્ટ કરવા બદલ કિન્નર અખાડાએ શ્રીયામયી મમતાનંદ ગિરિ (મમતા કુલકર્ણી)ને અખાડામાંથી હાંકી કાઢી છે. કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ મમતા કુલકર્ણીની હકાલપટ્ટીની જાહેરાત કરતો એક વિડિયો જાહેર કર્યો છે, જેમાં તેમને એમ કહેતાં સાંભળી શકાય છે કે ‘જ્યોતિર્પીઠનો વિવાદ તેમના ગુરુ સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી અને શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી વચ્ચે ચાલી રહ્યો હતો. આનાં ઘણાં પાસાં છે, પરંતુ આ મુદ્દે અમારે કંઈ કહેવું નથી.’
કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ‘પ્રયાગરાજ માઘ મેળામાં મૌની અમાવસ્યાના દિવસે સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિષ્યો સાથે બનેલી ઘટનાથી અમે દુઃખી છીએ. મમતાનંદ ગિરિએ અખાડાની પરવાનગી વિના આ બાબતે નિવેદન આપ્યું હતું એટલે તેમને અખાડામાંથી હાંકી કાઢવામાં આવે છે.’
નોંધનીય છે કે મમતા કુલકર્ણીએ તાજેતરમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પર કમેન્ટ કરતાં હતું કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અહંકારી છે અને ઉચ્ચ પદ સંભાળતાં પહેલા ઘમંડ છોડી દેવો જરૂરી છે.
કિન્નર અખાડાએ આ નિવેદનને ગંભીરતાથી લીધું છે. ગયા વર્ષે મહાકુંભ ૨૦૨૫ દરમ્યાન કિન્નર અખાડાએ મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરનું બિરુદ આપ્યું હતું. એ સમયે પણ સંતોએ નારાજગી વ્યક્ત કરી હતી.