તૃણમૂલની ત્રણેય બેઠક જીતીને મમતાએ કહ્યું, આ જનાદેશ NRC અને BJP વિરુદ્ધ

29 November, 2019 01:35 PM IST  |  New Delhi

તૃણમૂલની ત્રણેય બેઠક જીતીને મમતાએ કહ્યું, આ જનાદેશ NRC અને BJP વિરુદ્ધ

મમતા બેનરજી

(જી.એન.એસ.) મમતા બૅનરજીની પાર્ટી તૃણમૂલ કૉન્ગ્રેસે ગઈ કાલે આવેલાં પેટા ચૂંટણીનાં પરિણામોમાં પશ્ચિમ બંગાળની ત્રણે વિધાનસભા સીટો પર જીત નોંધાવી હતી. જ્યારે ઉત્તરાખંડના પિથૌરાગઢ સીટ પર બીજેપીનો કબજો યથાવત્ છે. બંગાળ અને ઉત્તરાખંડની આ ચાર સીટો પર ૨૫ નવેમ્બરે મતદાન થયું હતું. મુખ્ય પ્રધાન બૅનરજીએ કહ્યું, આ વિકાસ અને લોકોની જીત છે. બંગાળના લોકોએ એનઆરસી અને ઘમંડના રાજકારણની વિરુદ્ધ જનાદેશ આપ્યો. લોકોએ બીજેપીને નકારી દીધી છે. મમતાએ કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે એક, દો, તીન બીજેપી કા વિદાઈ દિન. આ વર્ષે લોકસભા ચૂંટણીમાં બીજેપીએ બંગાળની ૪૨ લોકસભા સીટોમાંથી ૧૮ પર જીત નોંધાવી હતી.

આ બધાની વચ્ચે ઉત્તર ૨૪ પરગણિના બીજેપી અધ્યક્ષ ફાલ્ગુની પાત્રાનો આરોપ છે કે તૃણમૂલ કાર્યકરોએ બારકપુર સંસદીય ક્ષેત્રના નૈહાટીસ્થિત તેમના ઘર અને કારમાં તોડફોડ કરી. પાત્રાએ કહ્યું કે જ્યારે બીજેપી કાર્યકરોએ તૃણમૂલના લોકોને રોક્યા તો તેમણે મારામારી કરી.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

પશ્ચિમ બંગાળની કાલિયાગંજ સીટ પર તૃણમૂલના ઉમેદવાર તપન દેબ સિંહને ૨૩૦૪ મતોથી જીત મળી. ખડગપુર સીટ પર તૃણમૂલના પ્રદીપ સરકારે બીજેપીના પ્રેમચંદ્ર ઝાને ૨૦,૦૦૦થી વધુ વોટથી હરાવ્યા. કરીમપુરમાં તેના ઉમેદવાર બિમલેન્દુ સિંહા રૉયે બીજેપીના જય પ્રકાશ મજૂમદાર પર જીત નોંધાવી. જ્યારે ઉત્તરાખંડના પિથૌરાગઢ સીટ પર બીજેપીનાં ચંદ્રા પંતે કૉન્ગ્રેસ ઉમેદવાર અંજુ લુંથીને ૩૨૬૭ વોટથી હરાવી.

mamata banerjee national news