PM મોદીને મળી મહારાષ્ટ્રના પૂરગ્રસ્તો માટે કેન્દ્ર સરકાર પાસે મદદ માગી ફડણવીસે

27 September, 2025 11:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરીને મહારાષ્ટ્રના પૂરગ્રસ્તો માટે કેન્દ્ર સરકાર પાસે મદદ માગી દેવેન્દ્ર ફડણવીસે,

ગઈ કાલે દિલ્હીમાં નરેન્દ્ર મોદીને મહારાષ્ટ્રના પૂરની પરિસ્થિતિનો ચિતાર આપતા દેવેન્દ્ર ફડણવીસ.

મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં, ખાસ કરીને મરાઠવાડામાં, ધોધમાર વરસાદ પડવાને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને ખેડૂતોના ઊભા પાક પર પાણી ફરી વળ્યાં છે. ઢોરઢાંખર પાણીમાં તણાઈ ગયાં છે અને ઘરોને પણ નુકસાન પહોંચ્યું છે. એથી રાજ્ય સરકાર દ્વારા તો મદદ આપવાનું ચાલુ કરવામાં આવ્યું જ છે, પણ મોટા પાયે થયેલા નુકસાનને જોતાં કેન્દ્ર પાસેથી પણ મદદ માગવામાં આવી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ગઈ કાલે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેમણે આ બાબતે રજૂઆત કરતાં વડા પ્રધાને તેમને કેન્દ્ર સરકાર તરફથી મદદ કરવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું. મહારાષ્ટ્રના ખેડૂતોના પડખે અમે ઊભા છીએ એમ તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત અન્ય મુદ્દાઓ પર પણ તેમની વચ્ચે ચર્ચા થઈ હતી. 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૮ અને ૯ ઑક્ટોબરે મુંબઈમાં ફિનટેક પરિષદ માટે આવવાના છે. 

દહિસર ચેકનાકા માટે ઍરપોર્ટ ઑથોરિટીની જમીન આપવા રજૂઆત 
ફાસ્ટ ટૅગ ઇન્ટ્રોડ્યુસ કરવા છતાં દહિસર-ઈસ્ટમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટોલનાકા પર બહુ જ ટ્રાફિક જૅમ થતો હોવાને લીધે બાજુમાં જ આવેલી ઍરપોર્ટ ઑથોરિટીની ૫૮ એકર જગ્યામાં જો એ ટોલનાકાને ખસેડવામાં આવે તો ઘણા અંશે ટ્રાફિક જૅમની સમસ્યા ઉકેલી શકાય એમ છે. ઍરપોર્ટ ઑથોરિટીની એ જગ્યા કેન્દ્ર સરકાર હસ્તક હોવાથી એને રાજ્ય સરકારને હૅન્ડઓવર કરવામાં આવે એવી રજૂઆત પણ દેવેન્દ્ર ફડણવીસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કરી હતી. હાલ એ જગ્યા પર ઍરપોર્ટ ઑથોરિટીનું ​સિગ્નલ રિસીવિંગ સ્ટેશન છે. 

mumbai news mumbai devendra fadnavis maharashtra news narendra modi delhi news new delhi