પાલઘર કેસઃ મહારાષ્ટ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં રિપોર્ટ સુપરત કર્યો

07 October, 2020 04:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પાલઘર કેસઃ મહારાષ્ટ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં રિપોર્ટ સુપરત કર્યો

સુપ્રિમ કોર્ટ

પાલઘર સાધુ હત્યાકાંડ કેસમાં મહારાષ્ટ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ સુપરત કર્યો છે. અગાઉ સુપ્રિમ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે આ કેસમાં વિગતવાર માહિતી મગાવી હતી.

સ્ટેટસ રિપોર્ટમાં મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું છે કે, 15 પોલીસ અધિકારીઓનો પગારકાપ કરવામાં આવ્યો છે, તેમ જ બે અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે. જે પોલીસ અધિકારીઓએ પોતાની ફરજ બજાવી નહોતી, તેમના ઉપર ડિપાર્ટમેન્ટ એન્ક્વાયરી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

રિપોર્ટમાં ઉમેરવામાં આવ્યું છે કે, પોલીસ અધિકારીઓ વિરુદ્ધની ડિપાર્ટમેન્ટ એન્ક્વાયરી પુરી થઈ છે, તેમ જ સંબંધિત પોલીસ અધિકારીઓને શો-કોઝ (કારણ બતાવો) નોટિસ ફટકારવામાં આવી હતી. અગાઉ  કાસા પોલીસ સ્ટેશનના તત્કાલીન ઇન્ચાર્જ આનંદરાવ કાળે, અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર રવિ સાળુંખે અને કૉન્સ્ટેબલ નરેશ ધોડીને કોંકણ રેન્જના ઇન્સ્પેક્ટર જનરલે નોકરીમાંથી ડિસમિસ કરવાનો આદેશ આપ્યો હોવાનું એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.     

આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (લો એન્ડ ઓર્ડર) બદ્રીનારાયણ દેશમુખે આ સ્ટેટસ રિપોર્ટ સુપ્રિમ કોર્ટમાં સુપરત કર્યો હતો.  

લૉકડાઉનના સમયમાં ૧૬ એપ્રિલે રાતે પાલઘર જિલ્લામાં આવેલા ગડચિંચોલે ગામમાં કાંદિવલીમાં રહેતા બે સાધુઓ કારમાં સુરત તરફ જઈ રહ્યા હતા ત્યારે ગામવાસીઓના ટોળાએ તેમને રોકીને પોલીસની હાજરીમાં રહેંસી નાખ્યા હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ બનાવના વિડિયો વાઇરલ થવાથી દેશભરમાં આ ઘટના સામે ભારે આક્રોષ ફેલાયો હતો. આ બનાવમાં ૭૦ વર્ષના ચીકને મહારાજ કલ્પવૃક્ષગિરિ, ૩૫ વર્ષના સુશીલગિરિ મહારાજ અને ૩૦ વર્ષના ડ્રાઇવર નીલેશ તેલગડેનાં મૃત્યુ થયાં હતાં.

ગડચિંચોલે ગામમાં અફવા ફેલાઈ હતી કે બાળકોને ઉપાડી જનારી ટોળકી ફરી રહી છે એથી સેંકડોની સંખ્યામાં ગામવાસીઓ રસ્તા પર આવી ગયા હતા અને તેમણે પોલીસની હાજરીમાં આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. આ બનાવમાં ૧૫૪ લોકોની ધરપકડ કરવાની સાથે ૧૧ સગીર આરોપીઓને તાબામાં લેવાયા હતા. તમામની સામે હત્યા, રમખાણ કરવાની સાથે સરકારી કર્મચારીને કામ કરતા રોકવા સહિતના ગુના નોંધાયા હતા.

supreme court national news