મહારાષ્ટ્ર સરકાર સંપૂર્ણ રસી લેનાર લોકોને છૂટછાટ આપી શકે છે: અજીત પવાર

24 July, 2021 06:51 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં જે લોકોએ કોરોના રસીના બંને ડોઝ લઈ લીધા છે તેમને કોરોના પ્રતિબંધમાં રાહત મળી તે અંગે સરકાર વિચારણા કરી રહી છે.

મુબંઈમાં બસ સ્ટોપ પર લોકોની લાઈન ( તસવીરઃ સાતેજ શિંદે)

મહારાષ્ટ્રમાં જે લોકોએ કોરોના રસીના બંને ડોઝ લઈ લીધા છે તેમને કોરોના પ્રતિબંધમાં રાહત મળી શકે છે. આ અંગે નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે શનિવારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકાર સંપૂર્ણ રસીકરણ કરનારા લોકોને કોરોના વાયરસના કડક પ્રતિબંધોમાંથી મુક્તિ આપવા અંગે વિચારણા કરી રહી છે.

મીડિયા સાથે વાત કરતાં પવારે એમ પણ કહ્યું હતું કે, સરકાર દુકાનો અને હોટલોના વર્તમાન સમયમર્યાદામાં વધારો કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે સપ્તાહના અંતે છૂટછાટ આપવાનો નિર્ણય આવતા અઠવાડિયે લેવાય તેવી સંભાવના છે.  રાજ્ય એવા લોકોને રાહત આપવાનું વિચારી રહ્યું છે જેમને કોવિડ -19 રસીના બંને ડોઝ લઈ લીધા હોય. આ નિર્ણય લોકોને રસી જલદી મુકાવવા માટે પ્રેરિત કરશે. 

પવારે કહ્યું કે, દુકાનો અને હોટલોની સમય મર્યાદામાં વધારો કરવાની માગ કરવામાં આવી રહી છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અમે દુકાનો અને રેસ્ટોરન્ટ માટે સમય વધારવાનો વિચાર કરી રહ્યા છીએ પરંતુ અંતિમ નિર્ણય મુખ્યમંત્રી લેશે. અમે સોમવારે નિષ્ણાતો સાથે બેઠક કરી રહ્યા છીએ, જેના પછી વીકએન્ડમાં છૂટછાટ અંગે નિર્ણય લેવામાં આવશે. 

રસીકરણની પ્રક્રિયા પર ભાર મુકતા તેમણે કહ્યું કે સરકાર ગત મહિનાની તુલનામાં વધુ લોકોને રસી આપવાનું લક્ષ્ય ધરાવે છે. રાજ્ય સરકાર કોરોનાવાયરસ મહામારીની ત્રીજી લહેરની આશંકાને ધ્યાને રાખી માળખાગત સુવિધાઓ જેવા વિવિધ પગલાં લઈ રહી છે.

કોરોનાની ત્રીજી લહેર અંગે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેને ધ્યાને રાખી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા, ઓક્સિજનવાળા બેડ અને વેન્ટિલેટર બેડની વ્યવસ્થા કરી રહ્યાં છે. પ્રથમ અને બીજી લહેર દરમિયાન તબીબી, ઓક્સિજન અને અન્ય સુવિધાઓની માંગના અહેવાલોના આધારે હાલ આગોતરુ આયોજન કરવામાં આવી રહ્યું છે તેવું અજીત પવારે જણાવ્યું હતું. 

maharashtra vaccination drive covid vaccine covid19 ajit pawar