30 January, 2026 07:33 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
રાજસ્થાનની અરાવલીની પર્વતામાળામાં કુહાડા ગામ પાસે કોટપુતલીના શ્રીછાંપાલવાલા ભૈરવજીનું મંદિર છે. આજે આ મંદિરનો ૧૭મો વાર્ષિકોત્સવ ઊજવાઈ રહ્યો છે. આ નિમિત્તે વિશાળ મેળો, મહાભંડારો અને રાત્રિજાગરણ થવાનું છે. લોકોને આપવા માટેનો હજારો કિલો ચૂરમાનો પ્રસાદ ઑલરેડી બની ગયો છે. ૬૫૧ ક્વિન્ટલ એટલે કે ૬૫,૧૦૦ કિલો ચૂરમું બનાવવા માટે છેલ્લા એક મહિનાથી ગામવાસીઓ લાગી પડ્યા હતા. એકસાથે આ મહાપ્રસાદી બનાવવાનું માહાત્મ્ય હોવાથી ગામલોકોએ ઘઉંનો લોટ, એમાંથી મૂઠિયાં બનાવીને ભઠ્ઠીમાં શેકવાથી લઈને સાકર નાખીને મેળવવાનું કામ એટલા મોટા પાયે કર્યું હતું કે એ માટે ચમચાને બદલે બુલડોઝરના હાથા વાપરવામાં આવ્યા હતા અને કાચા માલની હેરફેર માટે ટ્રૅક્ટરો ભરવામાં આવ્યાં હતાં.
આસ્થા અને સ્વયંસેવકોની ફોજ
ગયા વર્ષે ૫૫૧ ક્વિન્ટલ ચૂરમું તૈયાર કરવામાં આવ્યું હતું, પરંતુ આ વર્ષે આસ્થા મુજબ એમાં ૧૦૦ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો હતો. ગ્રામજનોએ જ આખું વ્યવસ્થાપન કર્યું હતું અને હજારો સ્વયંસેવકોને તહેનાત કર્યા હતા. ૨૧ સ્કૂલોના લગભગ ૫૦૦૦ વિદ્યાર્થીઓ અને સાથે જ ૩૦૦૦ પુરુષો અને ૫૦૦ મહિલાઓએ સ્વયંસેવક તરીકે કામ કર્યું હતું.
મહાપ્રસાદીની સામગ્રી
૧૫,૦૦૦ કિલો ઘઉંનો લોટ, ૧૦,૦૦૦ કિલો રવો, ૩૫૦૦ કિલો દેશી ઘી, ૧૩,૦૦૦ કિલો ખાંડ, માવો, ડ્રાયફ્રૂટ્સ, દૂધ, દહીં અને દાળ સહિત મોટી માત્રામાં મસાલા વપરાયા હતા. આમાંથી તૈયાર થયેલી મહાપ્રસાદીના વિતરણ માટે અઢી લાખ પતરાળાં અને ચાર લાખ કપ બનાવવામાં આવ્યાં છે. મહિલાઓએ લોટ બાંધીને શેકીને એના મોટા ગઠા તૈયાર કર્યા હતા અને એનો ચૂરો બનાવવા માટે અનાજ દળવાની ઘંટીઓ વાપરવામાં આવી હતી. એ પછી ટ્રૅક્ટરમાં ભરીને સામાન એક મોટા ચોગાનમાં લઈ જવામાં આવ્યો. જગ્યાને વાળી-ઝૂડીને સાફ કરીને કેટલાક વૉલન્ટિયર્સે પગ સાફ કરીને એમાં પ્લાસ્ટિકની બૅગો પહેરી લીધી હતી. એ પછી હજારો કિલો લોટ અને રવો ટ્રૅક્ટરથી એક જગ્યાએ એકઠો કરવામાં આવ્યો. એના પર દળેલી ખાંડ અને ૩૫૦૦ કિલો ચોખ્ખું ગરમ કરેલું દેશી ઘી રેડવામાં આવ્યું હતું અને એ બધું બુલડોઝરના હાથાથી મિક્સ કરવામાં આવ્યું હતું. એ પછી મિક્સ થયેલું ચૂરમું ટ્રૅક્ટરમાં ભરીને મંદિરે લઈ જવામાં આવ્યું હતું.
આજે આ ચૂરમું લાખો ભાવિકોને મહાપ્રસાદ તરીકે અપાશે.
મંદિર અને પરંપરા
આ મંદિરમાં પ્રાચીન ભૈરવબાબાની પ્રતિમા સાથે સવાઈ ભોજ, માતા અને હનુમાનજીની મૂર્તિ સ્થાપિત થયેલી છે. રાજસ્થાનમાં દૂરસુદૂરથી લોકો આ મેળામાં આવે છે. ગઈ કાલે આ વાર્ષિકોત્સવ પ્રસંગે ૨૫,૦૦૦ લોકો કળશ માથે લઈને ૩ કિલોમીટરની યાત્રાએ નીકળ્યા હતા.