મૃત્યુના દિવસે મહંતને ૩૫ કૉલ આવ્યા હતા

25 September, 2021 11:17 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નરેન્દ્ર ગિરિના મૃત્યુની તપાસ હવે સીબીઆઇના હાથમાં

મહંત નરેન્દ્ર ગિરિ

મહંત નરેન્દ્ર ગિરિના મૃત્યુની તપાસમાં એક નવી વાત સામે આવી છે. સોમવાર એટલે કે જે દિવસે મહંતનું મોત થયું ત્યારે તેમના ફોન પર કુલ ૩૫ કૉલ આવ્યા હતા. એમાંથી ૧૮ કૉલ પર તેમણે વાતચીત કરી હતી. વાતચીત કરનારામાં હરિદ્વારના કેટલાક લોકો અને બે બિલ્ડર પણ સામેલ હતા. એસઆઇટી નરેન્દ્ર ગિરિના મોબાઇલની સીડીઆર કાઢીને આ લોકોની પણ પૂછપરછ કરશે. હરિદ્વારથી કૉલ કરનારની વિગત શોધવા માટે હરિદ્વાર પોલીસને પણ જાણકારી મોકલવામાં આવી છે.

અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિનું મોત હત્યા છે કે આત્મહત્યા એની તપાસ ચાલી રહી છે. હાલ મહંત નરેન્દ્ર ગિરિના પ્રિય શિષ્ય આનંદ ગિરિની આ કેસમાં ધરપકડ કરવામાં આવી ચૂકી છે. સંપત્તિના વિવાદમાં આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. મહંત નરેન્દ્ર ગિરિ મહારાજ જે અખાડા પરિષદના અધ્યક્ષ હતા એની સંપત્તિ હજાર કરોડ કરતાં પણ વધુ હોવાનું કહેવાય છે. પ્રયાગરાજ અને આસપાસના વિસ્તારોમાં નિરંજની અખાડાની ૩૦૦ કરોડથી વધુની સંપત્તિ છે. હરિદ્વાર અને બીજાં રાજ્યોમાં પણ આ અખાડાની સંપત્તિ છે. નિરંજની અખાડાની તો ઉજ્જૈન, જયપુર, આબુ સહિતનાં શહેરોમાં જમીનો છે. નોઇડા, વારાણસીમાં પણ મંદિરો છે.

નરેન્દ્ર ગિરિના મૃત્યુની તપાસ હવે સીબીઆઇના હાથમાં

અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિના રહસ્યમય સંજોગોમાં થયેલા મૃત્યુના કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ તપાસ હાથ ધરી એફઆઇઆર નોંધ્યો હોવાનું અધિકારી સ્તરના સૂત્રોએ ગઈ કાલે જણાવ્યું હતું.

કેસની તપાસ કરવા માટે સીબીઆઇની પાંચ સભ્યોની ટીમ ગુરુવારે પ્રયાગરાજ પહોંચી હતી. ૭૨ વર્ષના મહંત સોમવારે બાઘંબરી મઠમાં તેમની રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે ફાંસી લગાવવાને કારણે થયેલી ગૂંગળામણથી મહંતનું મૃત્યુ થયું હતું.

national news new delhi