30 October, 2026 12:17 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં બુધવારે બનેલી ઘટનામાં બે સગી બહેનો અને તેમનાં ૪ બાળકોનાં મોત થયાં હતાં. ગુંગર ગામમાં રહેતી ૩૫ વર્ષની અંજલિ રાવતે પોતાના ૬ વર્ષના પુત્ર પ્રશાંત સાથે ખેતરના કૂવામાં ઝંપલાવ્યું હતું. ૮ મહિનાની ગર્ભવતી અંજલિના પતિ ધરમવીરનું એક મહિના પહેલાં માર્ગ-અકસ્માતમાં મોત થયું હતું. પરિવારના જણાવ્યા અનુસાર પતિના મોત બાદ અંજલિ આઘાતમાં હતી. આ ઘટનામાં અંજલિ, તેનો પુત્ર અને ગર્ભમાં રહેલા શિશુનું મોત થયું હતું.
આ ઘટનાના થોડા કલાક બાદ અંજલિની મોટી બહેન સીતાએ પણ પોતાનાં ૩ બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું. સેસઈ ગામમાં રહેતી ૪૦ વર્ષની સીતા બુધવારે રાખી (૧૪), પ્રિયંકા (૧૧) અને શ્લોક (૬) સાથે ખોંકર ગામના ખેતરે ગઈ હતી. સાંજ સુધી તેઓ ઘરે ન આવતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. કૂવા પાસે ચંપલ મળતાં તપાસ કરતાં અંદરથી ચારેયના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસ અને ગ્રામજનોએ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોલીસે બન્ને કિસ્સામાં અકસ્માતે મોતની નોંધ કરીને તપાસ શરૂ કરી છે. બન્ને બહેનોએ આ પગલું શા માટે ભર્યું અને એની પાછળ કોઈ પારિવારિક કારણ હતું કે નહીં એની તપાસ ચાલી રહી છે.