મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે પણ ભારતમાં રાંધણગૅસનો પુરવઠો નિયંત્રણમાં હોવાનો સરકારનો દાવો

11 March, 2026 10:27 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

લિક્વિફાઇડ નૅચરલ ગૅસ (LNG)ના શિપમેન્ટમાં સંભવિત વિક્ષેપો અંગે ચિંતા વધી રહી છે ત્યારે આ પગલું લેવામાં આવ્યું છે

પ્રતીકાત્મક તસવીર

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધથી ક્રૂડ તેલના વૈશ્વિક પુરવઠાને ભારે અસર પડી રહી છે એવા સમયે દેશમાં સ્થાનિક ઈંધણના પુરવઠાને સુરક્ષિત રાખવા માટે સરકારે પગલાં લીધાં છે. નવી દિલ્હીએ કુદરતી ગૅસના પુરવઠા અને વિતરણને નિયંત્રિત કરવા અને પ્રાથમિકતાવાળાં ક્ષેત્રોને ઈંધણ મળતું રહે એની ખાતરી કરવા માટે એસેન્શિયલ કૉમોડિટીઝ (EC) ઍક્ટની જોગવાઈઓ લાગુ કરી દીધી છે. અધિકારીઓએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે એસેન્શ્યિલ સર્વિસિસ મેઇન્ટેનન્સ ઍક્ટ (ESMA) લાગુ નથી કરવામાં આવ્યો.

લિક્વિફાઇડ નૅચરલ ગૅસ (LNG)ના શિપમેન્ટમાં સંભવિત વિક્ષેપો અંગે ચિંતા વધી રહી છે ત્યારે આ પગલું લેવામાં આવ્યું છે. જોકે ગઈ કાલે સરકારે કહ્યું હતું કે ‘થોડા સમય માટે બજારમાં ચિંતાનું વાતાવરણ બન્યું હતું, પરંતુ હવે પુરવઠો સામાન્ય થઈ ચૂક્યો છે. સોશ્યલ મીડિયા પર ફેલાઈ રહેલા ન્યુઝ પર વિશ્વાસ ન કરો.’ 

મંગળવારે મોડી સાંજે સરકારે સ્પષ્ટ કર્યું હતું કે ‘દેશમાં LPGની કોઈ કમી નથી. કમર્શિયલ ગૅસ-સિલિન્ડરોની સંભવિત અછતને લઈને ચિંતા સામે આવી હતી, પરંતુ હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે.’ 
અછતને રોકવા માટે કેન્દ્ર સરકારે રિફાઇનરીઓ અને પેટ્રોકેમિકલ એકમોને લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)નું ઉત્પાદન મહત્તમ કરવા માટે નિર્દેશો જાહેર કર્યા છે અને LPGના ઉત્પાદનમાં ૧૦ ટકાનો વધારો કર્યો છે. સ્થાનિક ઉપયોગ માટે વધારાનું ઉત્પાદન ખાસ કરીને નિર્ધારિત કરવામાં આવ્યું છે. તેલ રિફાઇનરીઓ હવે એમની ૧૦૦ ટકા ક્ષમતા સાથે કામ કરી રહી છે જેથી LPGનો પુરવઠો લગાતાર મળતો રહે. 

પેટ્રોલિયમપ્રધાન હરદીપ સિંહ પુરીએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘ભારત સતત વિભિન્ન સ્રોતો અને માર્ગેથી ઊર્જા આયાત કરી રહ્યું છે. ઘરેલુ ઉપભોક્તાઓને CNG અને PNGનો ૧૦૦ ટકા પુરવઠો મળી રહેશે અને યુદ્ધની સ્થિતિમાં પણ અન્ય ઉદ્યોગોને ૭૦-૮૦ ટકા પુરવઠો મળતો રહેશે. ભારતે ૪૦ દેશો પાસેથી તેલની આયાત વિસ્તારી છે.’

national news india middle east crisis new delhi delhi indian government