04 June, 2025 11:29 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
૧૯૭૫ મંત્રો સાથે આહુતિ આપતા પૂજારીઓ.
૨૦૨૪ની બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રીરામને બાળરામ તરીકે સ્થાપિત કરવામાં આવ્યા હતા, આવતી કાલે તેમને રાજા રામ તરીકે સ્થાપિત કરવામાં આવશે ઃ રામ મંદિરના પહેલા માળે રાજા રામનો દરબાર હશે, પ્રાણપ્રતિષ્ઠાને લઈને લોકોને મોટી સંખ્યામાં અયોધ્યા નહીં પહોંચવા વિનંતી
અયોધ્યામાં રામલલાના મંદિરમાં બીજી પ્રાણપ્રતિષ્ઠા માટે વિધિવિધાનથી પૂજાનો આરંભ શરૂ થયો છે અને આવતી કાલે સવારે ૧૧.૨૫ વાગ્યે અભિજિત મુહૂર્તમાં રામ મંદિર સંકુલમાં રામ દરબાર સહિતનાં કુલ આઠ દેવાલયોમાં એકસાથે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. પ્રાણપ્રતિષ્ઠા માટેનું અનુષ્ઠાન ગઈ કાલે સવારે ૬.૩૦ વાગ્યાથી શરૂ થયું હતું. બીજી પ્રાણપ્રતિષ્ઠા માટે રામ મંદિરને સુંદર રોશનીથી શણગારવામાં આવ્યું છે.
પ્રાણપ્રતિષ્ઠા પહેલાંનું અનુષ્ઠાન
આવતી કાલે ગંગા દશહરા પણ છે. એવું માનવામાં આવે છે કે દ્વાપરયુગ ગંગા દશહરાથી શરૂ થાય છે. ભગવાન શ્રી રામે રામેશ્વરમની સ્થાપના પણ આ દિવસે કરી હતી. આજે સવારે ૬.૩૦થી લઈને બપોરે ૧૨ વાગ્યા સુધી પૂજા અને અનુષ્ઠાન થશે. એમાં ૧૯૭૫ મંત્રો સાથે અગ્નિદેવતાને આહુતિ આપવામાં આવશે. આ સાથે રામરક્ષા સ્તોત્ર, હનુમાન ચાલીસા અને અન્ય ભજનના પાઠ કરવામાં આવશે.
ગણેશજી
શ્રી રામજન્મભૂમિ મંદિરનાં નવનિર્મિત આઠ દેવાલયોમાં મહાદેવ શિવ, ગણેશજી, હનુમાનજી, સૂર્યદેવ, માતા ભગવતી, માતા અન્નપૂર્ણા, શેષાવતાર વિષ્ણુ અને મુખ્ય મંદિરના પહેલા માળ પર શ્રી રામદરબારમાં પ્રાણપ્રતિષ્ઠા થશે. રામદરબારમાં રાજા રામ અને સીતા સિંહાસન પર બેઠેલી મુદ્રામાં છે અને તેમની સાથે હનુમાન, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નની મૂર્તિઓ પણ છે. ભગવાન શ્રી રામ અને માતા સીતાની મૂર્તિ રાજસ્થાનના મકરાણાના પ્રસિદ્ધ શુદ્ધ સફેદ આરસપહાણના એક જ પથ્થરમાંથી કોતરવામાં આવી છે.
હનુમાનજી
૨૦૨૪માં બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રીરામને બાળરામ તરીકે સ્થાપિત કરવામાં આવ્યા હતા. હવે બીજી પ્રાણપ્રતિષ્ઠામાં ભગવાન રામને રાજા તરીકે સ્થાપિત કરવામાં આવશે. રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના ૧૬ મહિના પછી રાજા રામની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે. રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ૮૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. એના મુખ્ય મહેમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી હતા. આ વખતે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે.
રામનગરી અયોધ્યામાં સુરક્ષાવ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. તમામ કાર્યક્રમ સ્થળોએ વધારાનાનાંસુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યાં છે. દર્શન માટે અયોધ્યા આવતા ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે એની પણ કાળજી લેવામાં આવી રહી છે.
ભાવિકો મોટા પ્રમાણમાં ન આવે
અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે કહ્યું છે કે‘ પ્રાણપ્રતિષ્ઠામાં કોઈને આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ કાર્યક્રમમાં ફક્ત મંદિર સાથે સંકળાયેલા ભક્તો અને આમંત્રિત સંતો જ ભાગ લેશે. પ્રાણપ્રતિષ્ઠા શબ્દ સાંભળીને કોઈ અયોધ્યા આવે નહીં. જેમને રામલલાનાં દર્શન કરવાં છે એવા ભાવિકો જ અયોધ્યા આવે. આ સમયે હવામાન પણ પ્રતિકૂળ છે અને રામ દરબાર અને પરકોટામાં બનેલાં અન્ય મંદિરોનાં દર્શન હાલમાં સામાન્ય ભક્તો માટે ઉપલબ્ધ રહેશે નહીં.’
મંદિરનું નિર્માણ પૂરું
રામ મંદિરનું નિર્માણ પરંપરાગત નાગર શૈલીમાં થયું છે. એની લંબાઈ ૩૮૦ ફૂટ પૂર્વ પશ્ચિમ, પહોળાઈ ૨૫૦ ફુટ અને ઊંચાઈ ૧૬૧ ફુટ છે. એમાં કુલ ૩૯૨ થાંભલા અને ૪૪ દરવાજા છે.