દેશના ૩૩,૦૭૩ કરોડ રૂપિયાના ગેમિંગ ઉદ્યોગને મરણતોલ ફટકો

21 August, 2025 08:06 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આૅનલાઇન ગેમિંગ પ્રમોશન ઍન્ડ રેગ્યુલેશન બિલ લોકસભામાં કાલે વૉઇસવોટથી પસાર થયું : ઍડિક્શન, મની લૉન્ડરિંગ અને નાણાકીય છેતરપિંડીના કિસ્સાઓને રોકવાનો હેતુ : આૅનલાઇન મની ગેમિંગ સજાપાત્ર ગુનો; ૩ વર્ષની જેલની સજા, એક કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે

લોકસભાએ ગઈ કાલે એક ડ્રાફ્ટ લૉ પ્રમોશન ઍન્ડ રેગ્યુલેશન ઑફ ઑનલાઇન ગેમિંગ બિલ પસાર કર્યો હતો. એનો હેતુ ઍડિક્શન, મની લૉન્ડરિંગ અને નાણાકીય છેતરપિંડીના વધતા જતા કિસ્સાઓને રોકવાનો છે.

સંસદમાં અગાઉ રજૂ કરાયેલું આ બિલ વિપક્ષના વિરોધ વચ્ચે ઇલેક્ટ્રૉનિક્સ ઍન્ડ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીપ્રધાન અશ્વિની વૈષ્ણવની ટૂંકી ટિપ્પણી બાદ નીચલા ગૃહમાં ધ્વનિમતથી પસાર થયું હતું. ડ્રાફ્ટ લૉ પસાર થયા પછી તરત જ અનેક માગણીઓ પર વિપક્ષ દ્વારા વિક્ષેપ વચ્ચે ગૃહને દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યું હતું.

ડ્રાફ્ટ લૉ ઑનલાઇન મની ગેમ્સ સંબંધિત જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાનો તેમ જ બૅન્કો અને નાણાકીય સંસ્થાઓને આવી કોઈ પણ રમતો માટે ભંડોળની સુવિધા આપવા અથવા ટ્રાન્સફર કરવાથી પ્રતિબંધિત કરવાનો પણ પ્રયાસ કરે છે.

આ બિલ ઑનલાઇન ફૅન્ટસી સ્પોર્ટ્‌સથી લઈને ઑનલાઇન જુગાર (જેમ કે પોકર, રમી અને પત્તાંની અન્ય રમતો) અને ઑનલાઇન લૉટરી સુધીની તમામ ઑનલાઇન સટ્ટાબાજી અને જુગાર પ્રવૃત્તિઓને ગેરકાયદે ઠેરવે છે.

આ પગલું દેશના ૩.૮ બિલ્યન ડૉલર (આશરે ૩૩,૦૭૩ કરોડ રૂપિયા)ના ગેમિંગ ઉદ્યોગને ફટકો આપવા માટે તૈયાર છે, જેણે વૈશ્વિક રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે અને ડ્રીમ11, ગેમ્સ24X7 અને મોબાઇલ પ્રીમિયર લીગ જેવી ફૅન્ટસી સ્પોર્ટ્‌સ ઍપ્લિકેશનોને પ્રોત્સાહન આપ્યું છે.

આ બિલ ઑનલાઇન મની ગેમિંગને સજાપાત્ર ગુનો બનાવે છે, જેમાં ૩ વર્ષ સુધીની જેલની સજા અને અથવા એક કરોડ રૂપિયા સુધીના દંડનો સમાવેશ છે.

રિયલ મની ગેમિંગથી ૪૫ કરોડ લોકો વાર્ષિક લગભગ ૨૦,૦૦૦ કરોડ રૂપિયા ગુમાવતા હોવાનો સરકારનો અંદાજ

સરકારનો અંદાજ છે કે ઑનલાઇન રિયલ મની ગેમિંગમાં આશરે ૪૫ કરોડ લોકો દર વર્ષે લગભગ ૨૦,૦૦૦ કરોડ રૂપિયા ગુમાવે છે. એક સત્તાવાર સૂત્રના જણાવ્યા અનુસાર ઑનલાઇન રિયલ મની ગેમિંગ સમાજ માટે એક મોટી સમસ્યા હોવાનું સરકાર માને છે અને લોકોના કલ્યાણને પ્રાથમિકતા આપતાં આવકના નુકસાનને ટાળવા માટે ઑનલાઇન ગેમિંગ પર પ્રતિબંધ લાદતો કાયદો બનાવ્યો છે.

સરકારે ગઈ કાલે લોકસભામાં ઑનલાઇન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ ૨૦૨૫ રજૂ કર્યા બાદ પસાર કર્યું હતું. આ કાયદો કોઈ પણ સ્વરૂપમાં મની ગેમિંગ પર પ્રતિબંધ મૂકતી વખતે ઈ-સ્પોર્ટ્‌સ અને ઑનલાઇન સોશ્યલ ગેમિંગને પ્રોત્સાહન આપવાનો પ્રસ્તાવ મૂકે છે. બિલ હેઠળ મની ગેમિંગમાં સામેલ સંસ્થાઓ સામે પગલાં મુખ્યત્વે રાજ્ય સરકારો દ્વારા લેવામાં આવશે.

Lok Sabha new delhi national news news delhi news technology news india ashwini vaishnaw