સરેરાશ મતદાન માત્ર ૫૯.૬૩ ટકા

27 April, 2024 12:30 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રમાં બીજા તબક્કાની ૮ બેઠક પર સૌથી વધુ વર્ધામાં તો સૌથી ઓછું હિંગોલીમાં મતદાન

પ્રતીકાત્મક તસવીર

લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં મહારાષ્ટ્રની આઠ બેઠક પર ગઈ કાલે કેટલીક અનિચ્છનીય ઘટનાને બાદ કરતાં મતદાન શાંતિથી પાર પડ્યું હતું. સૌથી વધુ મતદાન વર્ધામાં તો સૌથી ઓછું હિંગોલીમાં નોંધાયું હતું. બુલઢાણા, અકોલા, અમરાવતી, વર્ધા, યવતમાળ-વાશિમ, હિંગોલી, નાંદેડ અને પરભણી એમ આઠ બેઠકમાં ૨૦૧૯માં યોજાયેલી લોકસભાની ચૂંટણીની આસપાસ જ મતદાન થયું હતું. આ આઠ બેઠકમાં ગઈ કાલે સરેરાશ ૫૯.૬૩ ટકા લોકોએ મત આપ્યા હતા. એકાદ દિવસમાં દરેક મતદાનકેન્દ્રની માહિતી અપડેટ થયા બાદ ૬૦થી ૬૨ ટકા જેટલું સરેરાશ મતદાન થશે એવો અંદાજ છે. ૨૦૧૯માં આ બેઠકોમાં ૬૨.૮૮ ટકા તો ૨૦૧૪ની ચૂંટણીમાં ૬૨.૦૮ ટકા નોંધાયું હતું. આ સાથે જ મહારાષ્ટ્રની ૪૮ લોકસભા બેઠકમાંથી પહેલા બે તબક્કાની ૧૩ બેઠક પર મતદાન પૂરું થયું છે. ત્રીજા તબક્કામાં ૧૩ બેઠકો પર ૭ મેએ મતદાન થશે.

આઠ બેઠકોમાં બુલઢાણા, યવતમાળ-વાશિમ અને હિંગોલીમાં પહેલી વખત શિવસેના સામે શિવસેનાની લડત હતી; જ્યારે બાકીની પાંચ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી (BJP), કૉન્ગ્રેસ, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર) અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીનો મુકાબલો હતો.

બુલઢાણા : આ બેઠક પર આ વખતે ૫૮.૪૫ ટકા લોકોએ મત આપ્યા હતા. ૨૦૧૪ અને ૨૦૧૯માં અહીં અનુક્રમે ૬૧.૩૫ ટકા અને ૬૩.૬ ટકા મતદાન થયું હતું.

અકોલા : આ બેઠક પર ગઈ કાલે ૫૮.૦૯ ટકા લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ૨૦૧૪ અને ૨૦૧૯માં અહીં અનુક્રમે ૫૮.૫૧ ટકા અને ૬૦.૦૬ ટકા મત નોંધાયા હતા.

અમરાવતી : આ બેઠક પર ગઈ કાલે ૬૦.૭૪ ટકા લોકોએ મત આપ્યા હતા. ૨૦૧૪ અને ૨૦૧૯માં અહીં અનુક્રમે ૬૨.૨૯ ટકા અને ૬૦.૭૬ ટકા મતદાન થયું હતું.

વર્ધા : આ બેઠક પર ગઈ કાલે સૌથી વધુ ૬૨.૬૫ ટકા મતદાન નોંધાયું હતું. ૨૦૧૪ અને ૨૦૧૯માં અહીં અનુક્રમે ૬૪.૭૯ ટકા અને ૬૧.૫૩ ટકા લોકોએ મત આપ્યા હતા.

યવતમાળ-વાશિમ : આ બેઠક પર ગઈ કાલે ૫૭.૦૦ ટકા મતદાન નોંધાયું હતું. ૨૦૧૪ અને ૨૦૧૯માં અહીં અનુક્રમે ૫૮.૮૯ અને ૬૧.૩૧ ટકા મત નોંધવામાં આવ્યા હતા.

હિંગોલી : આ બેઠક પર ગઈ કાલે સૌથી ઓછું ૬૦.૭૯ ટકા મતદાન થયું હતું. ૨૦૧૪ અને ૨૦૧૯માં અહીં અનુક્રમે ૬૬.૨૯ ટકા અને ૬૬.૮૪ ટકા મતદાન થયું હતું.

નાંદેડ : આ બેઠક પર ગઈ કાલે ૫૯.૫૭ ટકા મતદાન નોંધાયું હતું. ૨૦૧૪ અને ૨૦૧૯માં અહીં અનુક્રમે ૬૦.૧૧ ટકા અને ૬૫.૬૯ ટકા મતદાન થયું હતું.

પરભણી : આ બેઠક પર ગઈ કાલે ૬૦.૦૯ ટકા મતદાન થયું હતું. ૨૦૧૪ અને ૨૦૧૯માં અહીં અનુક્રમે ૬૪.૪૪ ટકા અને ૬૩.૧૨ ટકા લોકોએ મતદાન કર્યું હતું.

નોંધ ઃ ગઈ કાલે ઇલેક્શન કમિશને મતદાનની અંદાજિત ટકાવારી જાહેર કરી હતી જે આજે ફાઇનલ થશે.

ચૂંટણીના ચમકારા

પરભણી લોકસભા મતદારસંઘના પરભણી તાલુકાના બલસા ખુર્દ ગામે મતદાનનો બહિષ્કાર કર્યો હતો. આખું ગામ પુનર્વસન કરવામાં આવ્યા બાદની સમસ્યાનો ઉકેલ ન આવતાં અહીંના ૧૨૯૫ રહેવાસીઓએ નારાજગી બતાવી હતી.

નાંદેડ જિલ્લાના નિકવટ તાલુકામાં આવેલા પાંગરપહાડ નામના ગામના રહેવાસીઓએ પણ મતદાનનો બહિષ્કાર કર્યો હતો.

અકોલાના રામદાસ પેઠમાં મતદાનને પ્રોત્સાહન આપવા માટે એક સલૂનવાળાએ મતદાન કરો અને ફ્રી હેરકટિંગ કરાવો જાહેરાત કરતાં અહીં મતદાન બાદ વાળ કપાવવા માટે લાઇન લાગી હતી.

લાતુરમાં ચૂંટણીની ડ્યુટી આપવામાં આવી હોવા છતાં સરકારી કર્મચારી ફરજ પર હાજર ન થતાં પોલીસ તેને તહસીલદારની ઑફિસમાં આવેલા મતદાનકેન્દ્રમાં લઈ આવી હતી. બાદમાં આ કર્મચારીએ માફી માગીને કામ શરૂ કર્યું હતું.

Lok Sabha Election 2024 Lok Sabha election commission of india national news india