એકમત ન હોવા છતાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ ૧૬ બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી

28 March, 2024 10:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળનો પક્ષ રાજ્યમાં મહાવિકાસ આઘાડી (MVA)નો એક ઘટક પક્ષ છે.

ફાઇલ તસવીર

લોકસભાની આગામી ચૂંટણી માટે ૧૬ ઉમેદવારોની પ્રથમ યાદી શિવસેના-ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (UBT) દ્વારા બુધવારે જાહેર કરવામાં આવી હતી. શિવસેના (UBT) ભૂતપૂર્વ કેન્દ્રીય અરવિંદ સાવંતને દક્ષિણ મુંબઈની બેઠક પરથી ઊભા રાખશે; જ્યારે અત્યારના સંસદસભ્ય રાજન વિચારેને તેમની થાણે બેઠક પરથી, અમોલ કીર્તિકરને મુંબઈ નૉર્થ-વેસ્ટ અને સંજય પાટીલને મુંબઈ નૉર્થ-ઈસ્ટની બેઠક પરથી ઊભા રાખવાનો નિર્ણય પક્ષે કર્યો છે.

ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળનો પક્ષ રાજ્યમાં મહાવિકાસ અાઘાડી (MVA)નો એક ઘટક પક્ષ છે.

જોકે MVAના અન્ય ઘટક પક્ષ NCP (શરદચંદ્ર પવાર) દ્વારા ચૂંટણી માટે ઉમેદવારોનાં નામોની જાહેરાત હજી કરવામાં આવી નથી, જ્યારે કૉન્ગ્રેસ દ્વારા અમુક જ બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર કૉન્ગ્રેસે વાંધો ઉઠાવ્યો

શિવસેના-UBT દ્વારા ભિવંડી, દક્ષિણ-મધ્ય મુંબઈ અને સાંગલી લોકસભાની બેઠકો પરથી પોતાના ઉમેદવારોનાં નામોની જાહેરાત સામે મહારાષ્ટ્ર કૉન્ગ્રેસે બુધવારે વાંધો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે MVAના સાથી પક્ષોએ યુતિ ધર્મનું પાલન કરવું જોઈએ.

કૉન્ગ્રેસ વિધાનમંડળ પક્ષના નેતા બાળાસાહેબ થોરાતે પોતાના નિર્ણયની ફેરવિચારણા કરવા શિવસેના-UBTને અનુરોધ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે ભિવંડી, દક્ષિણ-મધ્ય મુંબઈ અને સાંગલી લોકસભાની બેઠકો પરથી ચૂંટણી લડવા કૉન્ગ્રેસ આજની તારીખે પણ મક્કમ છે, કમનસીબે યુતિ-ધર્મનું પાલન કરવામાં આવી રહ્યું નથી.

સંજય નિરુપમે પાર્ટીને યુતિ તોડવાનું આહ્‍વાન કર્યું

ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના પક્ષે કૉન્ગ્રેસની ઉપેક્ષા કરીને લોકસભાની આગામી ચૂંટણી માટે સ્વતંત્રપણે ૧૬ ઉમેદવારોનાં નામોની યાદી જાહેર કરી હોવાથી મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે, પણ ઉત્તર-પશ્ચિમ મુંબઈ બેઠક પરથી ચૂંટણી લડવા માગતા કૉન્ગ્રેસના નેતા સંજય નિરૂપમ જબરદસ્ત ભડક્યા છે અને તેમણે શિવસેના-UBT સાથેની યુતિનો અંત લાવવા પાર્ટીને આહ્‍વાન કર્યું છે.

Lok Sabha Election 2024 Lok Sabha shiv sena uddhav thackeray maha vikas aghadi sharad pawar congress mumbai mumbai news