લૉકડાઉન-5.0ની તૈયારી: ૧૩ શહેરો સિવાય બીજે બધે મળશે ઘણી છૂટછાટ

30 May, 2020 01:07 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

લૉકડાઉન-5.0ની તૈયારી: ૧૩ શહેરો સિવાય બીજે બધે મળશે ઘણી છૂટછાટ

નવી દિલ્હીમાં કોરોના કેસમાં જબરજસ્ત વધારા પછી ગાઝીયાબાદ સાથેની રાજધાનીની સરહદ સીલ કરી દેતા ગઈ કાલે ટ્રાફિક જામ સર્જાયો હતો

કોરોના મહામારીને રોકવા અમલમાં મુકાયેલા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન 4.0ની મુદત રવિવારે સમાપ્ત થઈ રહી હોવાથી કેન્દ્ર સરકારે લૉકડાઉન 5.0ની તૈયારી શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આ સંબંધમાં તમામ મુખ્ય પ્રધાનો સાથે ફોન પર વાતચીત કરી છે અને ૩૧મી પછી લૉકડાઉન વધારવા પર તેમના વિચારો જાણ્યા હતા. આ ઘટનાક્રમમાં ગઈ કાલે કૅબિનેટ સચિવ રાજીવ ગૌબાએ  રાજ્યોના મુખ્ય સચિવો અને સ્વાસ્થ્ય સચિવો સાથે વાત કરી હતી.

સૂત્રોએ કહ્યું કે જેમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત ૧૩ શહેરોના કમિશનરો, કલેક્ટરો  અને એસપીને સામેલ કરી સરકારે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે લૉકડાઉન 5.0 દરમ્યાન  મુખ્ય ભાર હૉટસ્પૉટ પર રહેશે અને દેશના બાકી ભાગોમાં પહેલેથી વધુ છૂટછાટ અપાશે.

૩૧મી પછી મોટા ભાગનાં રાજ્યો માત્ર કન્ટેઇનમેન્ટ ઝોનમાં જ પ્રતિબંધ ઇચ્છે છે. જો કેન્દ્ર સરકાર મંજૂરી આપે તો પછી રાજ્ય સરકારો પહેલાં કરતાં વધુ બજારો ખોલવા, એક રાજ્યથી બીજા રાજ્ય સુધી પરિવહન સુવિધાને વધુ સુગમ બનાવવા, સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે ધાર્મિક સ્થળો ખોલવા જેવા નિર્ણયો લઈ શકે છે. અમુક રાજ્યો મહિનાની અંદર સ્કૂલો ફરીથી ખોલવા ઇચ્છે છે.

કોરોનાના ૭૦ ટકાથી વધુ કેસ ૧૩ શહેરો પૂરતા સીમિત થઈ ગયા છે; જેમાં મુંબઈ, ચેન્નઈ, દિલ્હી, અમદાવાદ, થાણે, પુણે, હૈદરાબાદ, ઇન્દોર, જયપુર, જોધપુર, ચેન્ગલપટ્ટુ અને તેરુવલ્લુરનો સમાવેશ થાય છે. આ શહેરોમાં જો કોરોના કેસને યોગ્ય રીતે પકડવામાં આવે તો એને દેશના બાકીના ભાગમાં ફેલાતો અટકાવી શકાશે. લૉકડાઉન 5.0માં હૉટસ્પૉટવાળા વિસ્તારોમાં જ પ્રતિબંધો પર ભાર મુકાશે. જોકે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગ ચાલુ રાખવું પડશે. હૉટસ્પૉટ સિવાય બાકીના ભાગમાં છૂટછાટો મળી જશે. ૧૩ શહેરો સિવાય બાકીના હિસ્સા માટે પણ કૅબિનેટ સચિવે અલર્ટ રહેવાના નિર્દેશો આપ્યા.

લૉકડાઉનમાં હવે શું?: મોદી અને અમિત શાહમાં મહામંથન

કોરોના વાઇરસ સંક્રમણને રોકવા સમગ્ર દેશમાં લાગુ કરાયેલા લૉકડાઉનને આગળ વધારવામાં આવશે કે નહીં? શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન

અમિત શાહ વચ્ચે યોજાયેલી  બેઠકમાં આ પ્રશ્ન સૌથી ઉપર રહ્યો હતો. ૩૧ મેએ લૉકડાઉનનો ચોથો તબક્કો પૂર્ણ થઈ રહ્યો છે. અમિત શાહે શુક્રવારે સવારે રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે વાતચીત કરી હતી. તેમને મળેલા ફીડબૅકને તેમણે વડા પ્રધાન સાથે ચર્ચા કરી અને પછી આગળની રણનીતિ પર વાત થઈ હતી. અનેક રાજ્યોએ કોરોનાને રોકવા લૉકડાઉન ચાલુ રાખવા માટે કેન્દ્ર સરકારને કહ્યું છે, પરંતુ તેઓ ધીમે-ધીમે સ્થિતિ સામાન્ય કરવા પણ ઇચ્છે છે.

લૉકડાઉન હજી  ૧૫ દિવસ લંબાઈ શકે છે

કેન્દ્ર સરકાર ૩૧ મેએ પૂરા થઈ રહેલા લૉકડાઉનને હાલની શરતો સાથે ૧૫ દિવસ લંબાવી શકે છે. ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે આજે આ નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે એને રોકવા માટે લૉકડાઉન લંબાવવું જરૂરી છે. સાવંતે આ પહેલાં ગુરુવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી.

સાવંતે કહ્યું કે અમે ગોવામાં રેસ્ટોરાં, હોટેલ, મૉલ અને જિમને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ખોલવાની છૂટ માગીશું. અમે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સામે અમારી વાત રાખીશું. ગૃહ મંત્રાલય આવતી કાલે નવી ગાઇડલાઇન બહાર પાડી શકે છે

લૉકડાઉન-4ના ૧૨ દિવસમાં  કોરોનાના ૭૦૦૦૦ નવા કેસ

કોરોનાના સંકટના પગલે લાગુ કરવામાં આવેલું લૉકડાઉન-૪ આગામી બે દિવસમાં પૂરું થશે. લૉકડાઉન-૪માં એટલે કે છેલ્લા ૧૨ દિવસથી કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા ૧૨ દિવસની વાત કરવામાં આવે તો કોરોનાના ૭૦ હજાર નવા મામલા પ્રકાશમાં આવ્યા છે, જ્યારે લગભગ ૧૭૦૦ લોકોના દેશમાં મોત થયાં છે.

coronavirus covid19 lockdown national news mumbai ahmedabad new delhi