19 November, 2026 10:23 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
લતીફ બટને ઠાર કર્યા પછી કુલગામમાં વિક્ટરીની સાઇન દેખાડતા જવાનો, સુરક્ષાદળોએ ઠાર કરેલો લતીફ બટનો મૃતદેહ અને જમ્મુમાં ગઈ કાલે લતીફ બટના મોતની ઊજવણી કરવામાં આવી હતી.
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદનો ખાતમો કરવામાં સુરક્ષાદળોએ ઐતિહાસિક અને નિર્ણાયક સફળતા મેળવી છે. ગઈ કાલે વહેલી સવારે કુલગામ જિલ્લામાં લશ્કર-એ-તય્યબા (LeT)ના છેલ્લા જાણીતા સક્રિય સ્થાનિક આતંકવાદી લતીફ ભટને ઠાર કરવામાં આવ્યો હતો. આ મહિને ૧૧ નવેમ્બરે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની ચેકપોસ્ટ પર કરવામાં આવેલા હુમલામાં લતીફ ભટનો હાથ હતો. તેના પર ૧૫ લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે મંગળવારે કુલગામમાં સુરક્ષાદળો સાથેના એન્કાઉન્ટરમાં લતીફ ભટના સહયોગી ઉમર નિસારને પણ ઠાર કરવામાં આવ્યો હતો. આ સાથે કાશ્મીર ખીણ પ્રદેશમાં LeTનો સફાયો થયો છે. આ ઑપરેશનમાં તમામ સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ વચ્ચે ઉચ્ચ સ્તરનો સમન્વય જોવા મળ્યો હતો.
CRPF પર કરવામાં આવેલા હુમલા બાદ લતીફ ભટ આ વિસ્તારમાં નાસતો ફરતો હતો અને સ્થાનિક લોકોએ તેને આશરો આપવાનો ઇનકાર કરી દીધા બાદ તેણે દેવસર વિસ્તારના ઝંગલપોરા ગામની એક મસ્જિદમાં આશરો લીધો હતો, જેના કારણે સુરક્ષાકર્મીઓને આ અભિયાનમાં સંયમ જાળવવો પડ્યો હતો. કુલગામના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (SSP) અનાયત અલી ચૌધરીએ જણાવ્યું હતું કે તેને સરેન્ડર કરવા અને મનાવવાના પ્રયાસો વહેલી સવારથી જ કરવામાં આવી રહ્યા હતા.
આ મોટી સફળતા માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સુરક્ષાદળોની પ્રશંસા કરી હતી અને ગઈ કાલે સોશ્યલ મીડિયા પર માહિતી શૅર કરતાં જણાવ્યું હતું કે ‘જમ્મુ અને કાશ્મીર પોલીસ (JKP) સાથે કરવામાં આવેલા એક સચોટ જૉઇન્ટ ઑપરેશનમાં ખીણમાં LeTના છેલ્લા જાણીતા સક્રિય સ્થાનિક આતંકવાદી લતીફ ભટને ઠાર કરવામાં આવ્યો છે. તેના આતંકવાદી સાથી ઉમર નિસારને પણ એક દિવસ પહેલાં કુલગામમાં ઠાર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઑપરેશન ઉચ્ચ સ્તરના સંકલન સાથે હાથ ધરવામાં આવ્યું હતું. રાષ્ટ્ર જમ્મુ અને કાશ્મીર પોલીસ, સેના, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને ગુપ્તચર એજન્સીઓના બહાદુર સૈનિકોને સલામ કરે છે.’
લતીફ ભટ સાથે વાતચીત કરવા માટે પોલીસે એક વ્યક્તિ દ્વારા મસ્જિદમાં મોબાઇલ ફોન મોકલ્યો હતો અને વિડિયો-કૉલ દ્વારા વાતચીત કરી હતી. તેને કહેવામાં આવ્યું હતું કે તું સરેન્ડર કરી દે, તું હજી યુવાન છે, તું મેઇન સ્ટ્રીમમાં આવી શકે છે; પણ તેણે સરેન્ડર કરવાની ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે અલ્લાહ સિવાય મારી સાથે બીજું કોઈ નથી, મારે અલ્લાહને મળવું છે. પોલીસે આ વાતચીતનો વિડિયો પણ જાહેર કર્યો હતો.
ખીણપ્રદેશની મસ્જિદોમાં સવારની નમાજની જાહેરાત થાય એ પહેલાં જ આ એન્કાઉન્ટર શરૂ થયું હતું. લતીફ ભટને મસ્જિદમાંથી બહાર કાઢવા માટે ટિયર ગૅસના શેલ ફેંકવામાં આવ્યા હતા અને તેથી તે મસ્જિદમાંથી નીકળ્યો અને થોડે દૂર પહોંચ્યો ત્યારે સુરક્ષાદળોએ તેને ઠાર કર્યો હતો. તેની પાસેથી એક રાઇફલ મળી આવી હતી. લતીફ ભટ સામેનું ઑપરેશન રવિવારે શરૂ થયું હતું અને ૫૬ કલાક બાદ ગઈ કાલે સવારે પૂરું થયું હતું. સુરક્ષાનિષ્ણાતો માને છે કે ખીણમાં છેલ્લા સક્રિય સ્થાનિક LeT આતંકવાદીને ઠાર કરવાની ઘટના એક મહત્વપૂર્ણ પગલું છે, જેણે આતંકવાદી નેટવર્કની કમર તોડી નાખી છે. સ્થાનિક આતંકવાદી ભરતી અને સ્લીપર સેલને મોટો ફટકો પડ્યો છે.
કુલગામનો રહેવાસી લતીફ ભટ આતંકવાદની ટ્રેઇનિંગ લેવા માટે પાકિસ્તાન ગયો નહોતો પણ સ્થાનિક સ્તરે ટ્રેઇનિંગ લીધી હતી અને છેલ્લા એક વર્ષથી સક્રિય હતો. તેણે અમરનાથ યાત્રા વખતે બાવીસ જુલાઈએ પોલીસ પર હુમલો કર્યો હતો અને પછી પહેલી ઑગસ્ટે બે મજૂરોને ઠાર કર્યા હતા. ત્યાર બાદ ૧૧ નવેમ્બરે CRPFના જવાનો પર હુમલો કર્યો હતો જેમાં ત્રણ જવાનો જખ્મી થયા હતા.