પુત્રની ધરપકડ છતાં પિતા પ્રધાનપદ પર કઈ રીતે?

12 October, 2021 11:12 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

મૌનવ્રત બાદ પ્રિયંકા ગાંધીએ કરી કેન્દ્રના મંત્રી અજય મિશ્રાના રાજીનામાની માગ

લખનઉમાં ધરણાં પર બેઠેલાં પ્રિયંકા ગાંધી

કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રા ટેનીને બરતરફ કરવાની માગણીને ટેકો આપતાં કૉન્ગ્રેસનાં જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ ગઈ કાલે લખનઉમાં મૌનવ્રતનું નેતૃત્વ કર્યું હતું. અજય મિશ્રાના પુત્ર પર તેની એસયુવી હેઠળ ખેડૂતોને કચડવાનો આરોપ મુકાયો છે.

લખનઉમાં બપોરે ત્રણ વાગ્યે મૌનવ્રત શરૂ કર્યું હતું જ્યારે કે દેશના બાકીના ભાગમાં કૉન્ગ્રેસ દ્વારા સવારે ૧૦થી બપોરે ૧ વાગ્યા દરમ્યાન મૌનવ્રતનો કાર્યક્રમ યોજાયો હતો. દરમ્યાન પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરતાં કહ્યું હતું કે પુત્રની ખેડૂતોની હત્યામાં ધરપકડ છતાં પિતા પ્રધાનપદ પર યથાવત્. મોદીજી તમામ પ્રધાનોનો બચાવ કરવાનું છોડો. 

પાર્ટીના રાજ્ય એકમના વડા અજયકુમાર લાલુ, ભૂતપૂર્વ સંસદસભ્ય પ્રમોદ તિવારી અને પી. એલ. પુનિયા તથા કૉન્ગ્રેસ વિધાનસભા પક્ષનાં નેતા આરાધના મિશ્રા સહિત કૉન્ગ્રેસના નેતાઓ પ્રિયંકા ગાંધી સાથે જીપીઓ પાર્કમાં મહાત્મા ગાંધીના પૂતળાની નીચે કેન્દ્રીય પ્રધાનની બરતરફીની માગણી લખેલા પ્લે-કાર્ડ લઈને બેઠા હતા.

લખીમપુર મામલે પ્રધાનના પુત્રને ત્રણ દિવસના રિમાન્ડ

લખીમપુર ખૈરીમાં થયેલી હિંસાના મામલે આશિષ મિશ્રાને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મળ્યા છે. પોલીસે આ મામલે ૧૫ દિવસના રિમાન્ડની માગણી કરી હતી પરંતુ ૧૫ ઑક્ટોબર સુધીના રિમાન્ડ મળ્યા છે. લખીમપુરની સેશન્સ કોર્ટમાં કેન્દ્રીય મંત્રીના પુત્રને રજૂ કરતાં પહેલાં કોર્ટ પરિસરમાં ચુસ્ત સુરક્ષાવ્યવસ્થા જોવા મળી હતી. સુરક્ષાજવાનોનો કાફલો સેશન્સ કોર્ટની આસપાસ ખડકાયેલો છે.

લખીમપુર હિંસા કેસનો આરોપી આશિષ મિશ્ર કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રનો પુત્ર છે. ૧૨ કલાકની પૂછતાછ પછી પોલીસે ૯ ઑક્ટોબરે તેની ધરપકડ કરી હતી. આ મહિનાની શરૂઆતમાં ઉત્તર પ્રદેશના લખીમપુર ખૈરીમાં ફાટી નીકળેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં. આ કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસે અત્યાર સુધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

national news uttar pradesh lucknow