12 March, 2026 01:57 PM IST | Kerala | Gujarati Mid-day Correspondent
મોનાલિસા અને ફરમાન ખાન
મહાકુંભ દરમ્યાન વાઇરલ થયેલી માંજરી આંખોવાળી મોનાલિસાએ ગઈ કાલે તેના પ્રેમી ફરમાન ખાન સાથે કેરલમના તમ્પાનૂર પોલીસ-સ્ટેશનમાં પોલીસ-પ્રોટેક્શન માગ્યું હતું. બન્ને લગભગ દોઢ વર્ષથી રિલેશનશિપમાં છે અને તેઓ પહેલી વાર ફેસબુક પર મળ્યાં હતાં. અલગ ધર્મના હોવાને કારણે તેમના સંબંધ માટે પરિવાર રાજી નહોતો. મોનાલિસા પર તેના પિતા જયસિંહ ભોસલેએ આ સંબંધ છોડી દેવા માટે ખૂબ દબાણ કર્યું હતું. મોનાલિસાએ આ વિશેની ફરિયાદ પોલીસમાં કરી હતી.
વાઇરલ થયા પછી મોનાલિસાને મૉડલિંગ અને ફિલ્મની ઑફરો પણ મળી હતી. પ્રોટેક્શન માગવા આવેલી મોનાલિસાને કેરલમની પોલીસે પહેલાં જ પૂછ્યું હતું કે તે આટલે દૂર કેમ આવી છે? ત્યારે એના જવાબમાં મોનાલિસાએ કહ્યું હતું કે ‘ફરમાન સાથેના સંબંધને કારણે પરિવાર તરફથી ખૂબ ધમકીઓ મળી રહી હોવાથી મેં ઘર છોડી દીધું છે. અમને લાગ્યું કે કેરલમમાં સામાજિક અને ધાર્મિક દબાણથી દૂર સુરક્ષિત રીતે રહી શકીશું.’
પોલીસે મોનાલિસાના ડૉક્યુમેન્ટ્સની તપાસ કરી હતી અને એમાં પુખ્ત હોવાનું પુરવાર થતાં પોલીસે તેના પિતાને પણ બોલાવ્યા હતા અને બન્ને કાયકાદીય રીતે પુખ્ત હોવાથી મોનાલિસાને ફરમાન સાથે જવાની અનુમતિ આપી દીધી હતી. સાથે જ સ્થાનિક પ્રશાસનને સૂચિત કરવામાં આવ્યું જેથી યુગલની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
૨૦૨૫માં પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં રુદ્રાક્ષની માળા વેચતી વખતે માંજરી આંખોને કારણે મોનાલિસાના ફોટો વાઇરલ થઈ ગયા હતા. મોનાલિસા મૂળ મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લાની રહેવાસી છે, જ્યારે તેનો પ્રેમી ફરમાન મહારાષ્ટ્રનો છે.