દીદીના ગઢમાં શાહનો હુંકારઃ પશ્ચિમ બંગાળમાંથી ટીએમસીને ઉખાડી ફેંકીશું

19 February, 2021 09:56 AM IST  |  Kolkata | Agency

દીદીના ગઢમાં શાહનો હુંકારઃ પશ્ચિમ બંગાળમાંથી ટીએમસીને ઉખાડી ફેંકીશું

પશ્ચિમ બંગાળના કાકદ્વીપ ખાતે આયોજિત રૅલીમાં યુનિયન હોમ મિનિસ્ટર અમિત શાહ. તસવીર : પી.ટી.આઈ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુરુવારે દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાના કાકદ્વીપ ખાતે બીજેપીની પાંચમી પરિવર્તન રૅલીને લીલી ઝંડી દેખાડી હતી. ત્યાર બાદ તેમણે દક્ષિણ ૨૪ પરગણા જિલ્લામાં એક રૅલીને સંબોધી હતી અને મમતા બૅનરજીને ‘પશ્ચિમ બંગાળમાંથી તૃણમૂલ કૉન્ગ્રેસને ઉખાડી ફેંકવામાં આવશે’ એવો પડકાર ફેંક્યો હતો.

રૅલીને સંબોધિત કરતી વખતે અમિત શાહે જનતાને પરિવર્તન માટે અપીલ કરી હતી. પશ્ચિમ બંગાળની જનતાને ઉદ્દેશીને અમિત શાહે કહ્યું હતું કે ‘તમે એક વખત બંગાળમાં બીજેપીની સરકાર બનાવી જુઓ. બંગાળના તમામ સરકારી કર્મચારીઓને ૭મા પગારપંચનો લાભ આપવામાં આવશે. શિક્ષકભાઈઓને યોગ્ય માપદંડ મળે એ માટે બીજેપી સરકાર એક કમિટીની રચના કરશે. નામખાનામાં ચૂંટણી-રૅલીને સંબોધતતાં અમિત શાહે કહ્યું હતું કે બીજેપીની સરકાર બનતાં તમામ માછીમારોને વર્ષે ૬૦૦૦ રૂપિયા આપવામાં આવશે. ટીએમસીના ગુંડાઓએ અત્યાર સુધી ૧૩૦ જેટલા બીજેપીના કાર્યકરોની હત્યા કરી છે. ટીએમસી સરકારે બંગાળમાં ઘૂસણખોરીને પ્રોત્સાહન આપ્યું છે. અમારી સરકાર એક-એક ઘૂસણખોરેન હાંકી કાઢશે. બંગાળમાં દુર્ગાપૂજા માટે કોર્ટમાંથી પરવાનગી લેવી પડે છે. બીજેપીના દબાણને કારણે મમતા બૅનરજી સરસ્વતી-પૂજા કરે છે, જે જોઈને મને ખુશી થાય છે. જ્યાં કોઈ જય શ્રીરામના નારા લગાવે છે તો મમતા બૅનરજી કહે છે કે મારું અપમાન થાય છે. મમતા બૅનરજી માત્ર ‘ભત્રીજાને આગ‍ળ વધારો’ અભિયાન ચલાવે છે.

કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે ગંગાસાગર ક્ષેત્રને પર્યટનના આંતરરાષ્ટ્રીય નકશા પર મૂકવાની બાંયધરી પશ્ચિમ બંગાળની જનતાને આપી હતી. ગંગા નદી અને બંગાળની ખાડીના સંગમના સ્થળ ગંગાસાગરના ધાર્મિક મહિમાને બિરદાવતાં અમિત શાહે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ વિધાનસભાની આગામી ચૂંટણીમાં બીજેપીના વિજયનો મને આત્મવિશ્વાસ છે અને બીજેપી સત્તા પર આવ્યા પછી ગંગા નદીની સ્વચ્છતાનો ‘નમામિ ગંગે’ પ્રકલ્પ પશ્ચિમ બંગાળ સુધી વિસ્તારવામાં આવશે.

amit shah kolkata west bengal mamata banerjee national news trinamool congress