ભારતમાં હાહાકાર: કેરળમાં કોરોનાનો બીજો કેસ પૉઝિટિવ

03 February, 2020 01:39 PM IST  |  Kochi

ભારતમાં હાહાકાર: કેરળમાં કોરોનાનો બીજો કેસ પૉઝિટિવ

કોરોના વાઇરસ

કેરળમાં બીજો કોરોના વાઇરસનો કેસ નોંધાયો છે. આ કેસ નોંધાતાંની સાથે કેરળમાં ચિંતા વધી છે. એને કારણે ડૉક્ટરો વધારે સજાગ બન્યા છે. આ કેસ સ્થાનિકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ દર્દી પણ ચીનથી આવ્યો છે.

કેરળમાં વધુ એક પૉઝિટિવ કેસ નોંધાયો છે. દર્દી ચીનથી આવ્યો હતો અને તેને હૉસ્પિટલમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે. તેની હાલત હાલમાં સ્થિર છે અને તેને સતત ઑબ્ઝર્વેશનમાં રખાયો છે. કેરળમાં આ બીજો કેસ નોંધાયો છે. જોકે આ દર્દી ક્યાંનો છે અને કેવી રીતે તે કોરોના વાઇરસનો શિકાર બન્યો એ જાણી નથી શકાયું.

ઉલ્લેખનીય છે કે અગાઉ નોંધાયેલા કેસમાં વિદ્યાર્થી ચીનના વુહાન વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરી રહ્યો હતો. થોડા દિવસ પહેલાં જ તે કેરળ આવ્યો હતો. આ વિદ્યાર્થીની હાલત સ્થિર હતી. તેને કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે આ વાતની ખરાઈ કરી હતી. રિપોર્ટ્સ પ્રમાણે કેરળમાં ૧૭૯૩ લોકોને હાલમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

ચીનમાં ફસાયેલા પાકિસ્તાની વિદ્યાર્થીઓએ કહ્યું, શેમ ઑન યુ પાકિસ્તાન, ભારત પાસેથી શીખો

ચીનના વુહાનમાં કોરોના વાઇરસે મચાવેલા હાહાકાર વચ્ચે ભારતે વુહાનમાં ફસાયેલા પોતાના નાગરિકોને સહીસલામત ભારત લાવવાની વ્યવસ્થા કરી છે. બીજા દેશો પણ પોતાના નાગરિકોને ચીનમાં વિમાન મોકલીને પાછા બોલાવી રહ્યા છે.

જોકે પાડોશી દેશ પાકિસ્તાન એમાં અપવાદ છે. પાકિસ્તાને ચીનમાં કોરોના વાઇરસનુ એપિસેન્ટર ગણાતા વુહાનમાં રહેતા પાકિસ્તાની વિદ્યાર્થીઓને પાછા બોલાવવા કોઈ વ્યવસ્થા કરી નથી, જેનાથી આ વિદ્યાર્થીઓમાં ભારે રોષ છે. પાક વિદ્યાર્થીઓ વિડિયો બનાવીને પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.

આ પણ વાંચો : કોરોના વાઇરસે ચીનમાં 24 કલાકની અંદર જ 45 લોકોના ભોગ લીધાં

આવા જ એક વાઇરલ વિડિયોમાં પાકિસ્તાની છાત્ર દૂર ઊભેલી એક બસ બતાવીને કહી રહ્યો છે કે ‘આ બસમાં ભારતીય વિદ્યાર્થીઓ છે. આ બસ ભારતે તેમને લઈ જવા માટે મોકલી છે. આ તમામને ઍરપોર્ટ પર લઈ જવાશે અને તેમના ઘરે પહોંચાડાશે. બંગલા દેશવાળા પણ પોતાના વિદ્યાર્થીઓને લઈ જવા આવ્યા છે અને અમે પાકિસ્તાનીઓ ફસાયેલા છીએ. જેમને સરકાર કહે છે કે તમે ત્યાં મરો કે જીવો, અમે ત્યાંથી તમને નહીં કાઢીએ, શેમ ઑન યુ પાકિસ્તાન, ભારત પાસેથી શીખો...’

coronavirus kerala national news kochi