સર્વોચ્ચ અદાલતે અયોધ્યા વિવાદની પાંચ અરજીઓ વિશે શું કહ્યું?

10 November, 2019 11:45 AM IST  |  New Delhi

સર્વોચ્ચ અદાલતે અયોધ્યા વિવાદની પાંચ અરજીઓ વિશે શું કહ્યું?

અયોધ્યા કેસ

(પી.ટી.આઇ.) સર્વોચ્ચ અદાલતે ગઈ કાલે અયોધ્યામાં ભગવાન રામની જન્મભૂમિની મૂળ 2.77 એકર જમીન રામમંદિર માટે ફાળવતાં કેસમાં મુસલમાન સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા સુન્ની વકફ બોર્ડને મોખરાની જગ્યાએ પાંચ એકરનો પ્લૉટ આપવાનો સરકારને આદેશ આપ્યો હતો. પાંચ ન્યાયમૂર્તિઓની બંધારણીય બેન્ચે સર્વસંમત ચુકાદો આપતાં કેસની મૂળભૂત પાંચ અરજીઓ બાબતે ટિપ્પણી કરી હતી.

પ્રથમ અરજી
હિન્દુ રામભક્ત ગોપાલસિંહ વિશારદ (1950)

આ અરજી અંગત સ્તરે કરવામાં આવી છે. એથી તેમને મૅનેજમેન્ટ કે કબજો સોંપી ન શકાય. સંબંધિત સત્તાવાળાઓએ શાંતિ અને સૌહાર્દતા જાળવવા તથા પૂજા-અર્ચના માટે નિર્ધારિત કરેલા નીતિ-નિયમોને આધિન રહીને પ્રથમ અરજીના અરજદારનો પૂજા કરવાનો અધિકાર માન્ય રાખવામાં આવે છે.

ભૂમિકા : 1950 માં ગોપાલસિંહ વિશારદે ‘ધર્મ અને રીતરિવાજ અનુસાર મને રામજન્મભૂમિના પરિસરમાં મૂર્તિઓની નિકટ બેસીને પૂજા કરવાનો અધિકાર છે’ એવી જાહેરાતની માગણી સાથે ફૈઝાબાદના સિવિલ જજ સમક્ષ સુટ ફાઇલ કરવામાં આવ્યો હતો.

બીજી અરજી
પરમહંસ રામચંદ્રદાસ (1950)

સ્થિતિ: 1990 માં અન્ય એક અરજી ફાઇલ કરાયા પછી આ સુટ પાછો ખેંચવાની છૂટ આપવામાં આવી હતી. એ અરજીની વિગતો અને ભૂમિકા પ્રથમ અરજી સમાન હતી.

ત્રીજી અરજી
નિર્મોહી અખાડા (1959)

સર્વોચ્ચ અદાલતનો ચુકાદો : મર્યાદાઓના બંધનો ધરાવતો આ સુટ રદબાતલ કરવામાં આવે છે. નિર્મોહી અખાડાએ ફક્ત મૅનેજમેન્ટનો દાવો કર્યો છે. નિર્મોહી અખાડા શબૈત (અનુયાયી) નથી. નવા ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાનું પ્રતિનિધિત્વ રહેશે.

ભૂમિકા : નિર્મોહી અખાડા રામાનંદી બૈરાગી સંપ્રદાયના સાધુઓનું ધાર્મિક મંડળ છે. અખાડાએ બાબરી મસ્જિદની જગ્યાની માલિકીના દાવા સાથે ૧૯૫૯ના ડિસેમ્બર મહિનામાં ફૈઝાબાદની સિવિલ કોર્ટમાં અરજી કરી હતી.

ચોથી અરજી
સુન્ની વકફ બોર્ડ (1961)

સર્વોચ્ચ અદાલતનો ચુકાદો : સુન્ની વકફ બોર્ડની અરજી ટકી શકે એમ છે, પરંતુ કાનૂની અધિકાર ન હોવા છતાં કબજો જમાવીને એ સ્થળ પર આધિપત્યનો દાવો કરી ન શકે. પાંચ એકરનો અનુકૂળ પ્લૉટ સુન્ની વકફ બોર્ડને મસ્જિદ બાંધવા માટે સરકારે ફાળવવાનો રહેશે.

ભૂમિકા : અયોધ્યા કેસમાં મુસલમાન સમુદાય તરફથી આગેવાની સુન્ની વકફ બોર્ડ હસ્તક હતી. બોર્ડે હિન્દુ પક્ષના ત્રણ પેન્ડિંગ કેસીસની સામે 1961 ની 1 ફેબ્રુઆરીએ ફૈઝાબાદ સિવિલ કોર્ટમાં સુટ ફાઇલ કર્યો હતો. બોર્ડે મસ્જિદનો કબજો પોતાનો હોવાનો દાવો કર્યો હતો.

આ પણ જુઓ : આ ગુજરાતીઓએ કુદરતની વચ્ચે જાત સાથે વીતાવ્યો સમય

પાંચમી અરજી

સર્વોચ્ચ અદાલત રામલલાને ન્યાયપ્રક્રિયાને સંબંધિત વ્યક્તિ ગણે છે, પરંતુ રામજન્મભૂમિને નહીં. રામલલ્લાનો સુટ નિર્ણિત છે.
ભૂમિકા : રામલલ્લા વિરાજમાન કે ભગવાન રામના બાળરૂપનું પ્રતિનિધિત્વ માણસે કર્યું. કાયદાની ભાષામાં એને ‘નિકટના મિત્ર’ અથવા ‘નેક્સ્ટ ફ્રેન્ડ’ તરીકે ઓળખવામાં આવે છે. આ કેસમાં અસલ ‘નેક્સ્ટ ફ્રેન્ડ’ અલાહાબાદ વડી અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ દેવકીનંદન અગ્રવાલ હતા. રામલલ્લા વિરાજમાનના પ્રતિનિધિ રૂપે ‘નેક્સ્ટ ફ્રેન્ડ’ દેવકીનંદન અગ્રવાલે ૧૯૮૯માં અરજી કરી હતી. ૨૦૦૨માં દેવકીનંદન અગ્રવાલ મૃત્યુ પામતાં તેમની જગ્યાએ ત્રિલોકનાથ પાંડે ‘નેક્સ્ટ ફ્રેન્ડ’ બન્યા. ત્રિલોકનાથ પાંડે વિશ્વ હિન્દુ પરિષદના સભ્ય છે.

ayodhya verdict ayodhya national news