ઑપરેશન બ્લુસ્ટારની ૪૨મી વરસીએ સુવર્ણમંદિરમાં ખાલિસ્તાની સૂત્રોચ્ચાર

07 June, 2026 09:57 AM IST  |  Punjab | Gujarati Mid-day Correspondent

પંજાબ પોલીસ દ્વારા અમ્રિતસર અને એની આસપાસના વિસ્તારોમાં ભારે સુરક્ષા-બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.

સિખ ધર્મના સર્વોચ્ચ આધ્યાત્મિક કેન્દ્ર અકાલ તખ્તની સામે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા

૧૯૮૪માં અમ્રિતસરના સુવર્ણમંદિરમાંથી ઉગ્રવાદીઓને બહાર કાઢવા માટે ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા ઑપરેશન બ્લુસ્ટારની ૪૨મી વરસીએ ગોલ્ડન ટેમ્પલ પરિસરમાં ખાલિસ્તાનતરફી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સિખ ધર્મના સર્વોચ્ચ આધ્યાત્મિક કેન્દ્ર અકાલ તખ્તની સામે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. આ લોકોના હાથમાં જરનૈલ સિંહ ભિંડરાંવાલેનાં પોસ્ટરો પણ જોવા મળ્યાં હતાં, જે ૧૯૮૪માં ગુરુદ્વારા પરિસરમાં સિખ ઉગ્રવાદીઓનું નેતૃત્વ કરી રહ્યો હતો અને ૬ જૂને ઑપરેશન દરમ્યાન તેને ઠાર મરાયો હતો. આ સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પંજાબ પોલીસ દ્વારા અમ્રિતસર અને એની આસપાસના વિસ્તારોમાં ભારે સુરક્ષા-બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.

શું હતું ઑપરેશન બ્લુસ્ટાર?
ઉલ્લેખનીય છે કે ૧૯૮૪ની ૬ જૂને તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના આદેશથી સેનાએ સુવર્ણમંદિરમાં ઑપરેશન હાથ ધર્યું હતું, જેમાં ભિંડરાંવાલે અને તેના સશસ્ત્ર સમર્થકો ઠાર મરાયા હતા. આ સૈન્ય કાર્યવાહીની વ્યાપક ટીકા થઈ હતી અને એના જ પરિણામસ્વરૂપ ૧૯૮૪ની ૩૧ ઑક્ટોબરે ઇન્દિરા ગાંધીની તેમના જ બે સિખ બૉડીગાર્ડ્સ દ્વારા નવી દિલ્હીમાં હત્યા કરવામાં આવી હતી. 

national news india punjab golden temple religious places amritsar