08 September, 2025 09:33 AM IST | Kerala | Gujarati Mid-day Correspondent
કેરલાના મંદિરમાં ઑપરેશન સિંદૂરની રંગોળી બનાવવા બદલ RSSના ૨૭ કાર્યકરો સામે કેસ
કેરલાના કોલ્લમ જિલ્લાના મુથુપિલકના પાર્થસારથિ મંદિરમાં ઑપરેશન સિંદૂરના સન્માનમાં પુકલમ (રંગોળી) બનાવવા બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ૨૭ કાર્યકરો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. મંદિરના પ્રશાસને દાવો કર્યો છે કે રંગોળી બનાવવી એ કથિત રીતે હાઈ કોર્ટના આદેશનું ઉલ્લંઘન છે. ૨૦૨૩માં હાઈ કોર્ટે મંદિરના પરિસરની નજીક ધ્વજ સહિત સુશોભનની કોઈ પણ વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. એમ છતાં RSSના કાર્યકરોએ મંદિર સમિતિનાં ફૂલોની ડિઝાઇનની બાજુમાં તેમના ધ્વજ સાથે ફૂલોની રંગોળી બનાવી હતી અને એના પર ઑપરેશન સિંદૂર લખ્યું હતું.
આ મુદ્દે BJPએ કેરલા પોલીસને નિશાન બનાવી હતી અને ૨૭ RSS કાર્યકરો સામે નોંધાયેલા કેસને આઘાતજનક ગણાવ્યો હતો. BJPના પ્રદેશ-પ્રમુખ રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે ‘કેરલામાં જમાત-એ-ઇસ્લામીનું શાસન છે કે પાકિસ્તાનનું? જો FIR તાત્કાલિક પાછો ખેંચવામાં નહીં આવે તો પાર્ટી કોર્ટમાં જશે. આ કેરલા છે. આ ભારતનો એક ભવ્ય ભાગ છે. છતાં ઑપરેશન સિંદૂર શબ્દો સાથે પુકલમ બનાવવા બદલ FIR દાખલ કરવામાં આવ્યો છે. આ બિલકુલ અસ્વીકાર્ય છે. ઑપરેશન સિંદૂર સશસ્ત્ર દળોની શક્તિ અને બહાદુરીનું પ્રતીક છે અને કાનૂની કાર્યવાહી દ્વારા એને નિશાન બનાવવું એ દેશની રક્ષા કરતા દરેક સૈનિકનું અપમાન છે.’