કેરળના પત્રકાર સિદ્દીક કપ્પનને મળ્યા જામીન, બે વર્ષ રહ્યાં જેલમાં

23 December, 2022 07:15 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent

કેરળ(kerala)ના પત્રકાર સિદ્દીક કપ્પન(Siddique Kappan)ને મની લોન્ડરિંગ અને UAPA કેસમાં જામીન મળી ગયા છે.

પ્રતીકાત્મક તસવીર

કેરળ(kerala)ના પત્રકાર સિદ્દીક કપ્પન(Siddique Kappan)ને મની લોન્ડરિંગ અને UAPA કેસમાં જામીન મળી ગયા છે. તે લગભગ બે વર્ષ બાદ જેલમાંથી બહાર આવી રહ્યો છે. `અભિવ્યક્તિની સ્વતંત્રતા`ને ટાંકીને સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બરમાં કપ્પાને જામીન આપ્યા હતા. પરંતુ મની લોન્ડરિંગ કેસમાં જામીન ન મળવાને કારણે તેને જેલમાં રહેવું પડ્યું હતું. ઉત્તર પ્રદેશ પોલીસે દલિત બાળકી પર બળાત્કારના ગુનામાં હાથરસ જઈ રહેલા કપ્પનની ધરપકડ કરી હતી. તેના પર ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA)ની કલમો લગાવવામાં આવી હતી. યુપી પોલીસનો આરોપ છે કે કપ્પન ઘટનાના બહાને હિંસા ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટ સમક્ષ પોલીસે `ઉશ્કેરણીજનક` હોય તેવી કોઈ વાત મૂકી નથી.

કપ્પનને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) અને અન્ય સંબંધિત કાયદા હેઠળ દાખલ કરાયેલા આતંકવાદી કેસમાં સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા, પરંતુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કપ્પન સામે મની લોન્ડરિંગનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. આથી કપ્પનને લખનૌ જેલમાં રહેવું પડ્યું.

આ મહિનાની શરૂઆતમાં, લખનૌની અદાલતે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કપ્પન અને અન્ય છ લોકો સામે આરોપો ઘડ્યા હતા, જેનો અર્થ એ થયો કે ટ્રાયલ શરૂ થઈ શકે છે. આ કેસના અન્ય આરોપીઓમાં કેએ રઉફ શેરિફ, અતીકુર રહેમાન, મસૂદ અહેમદ, મોહમ્મદ આલમ, અબ્દુલ રઝાક અને અશરફ ખાદિર છે.

પોલીસે દાવો કર્યો છે કે આ લોકો પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા અને તેની વિદ્યાર્થી પાંખ કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (CFI)ના સભ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ લોકોએ આતંકવાદી ગતિવિધિઓ કે ટેરર ​​ફંડિંગમાં કોઈ સંડોવણી હોવાનો ઈન્કાર કર્યો છે. તેઓએ દલીલ કરી છે કે તેઓ માત્ર પત્રકારત્વના કામ માટે હાથરસ જતા હતા. કપ્પન અને ત્રણ સહ-આરોપીઓ અતીકુર રહેમાન, મોહમ્મદ આલમ અને મસૂદ અહેમદ -ની યુપી પોલીસે મથુરામાં ધરપકડ કરી હતી.

સુપ્રિમ કોર્ટમાં કપ્પન સામે શું હતો કેસ?
યુપી પોલીસને કપ્પનની કારમાંથી કેટલાક `પેમ્ફલેટ` મળ્યા હતા. આના આધારે કપ્પન સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 124A (રાજદ્રોહ), 153A (દ્વેષ ફેલાવવી) અને 295A (ઈરાદાપૂર્વક ઉશ્કેરણી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. કપ્પન પર UAPA અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમો પણ લગાવવામાં આવી હતી.

 

national news kerala uttar pradesh