કેરળમાં વરસાદી આફતઃ પૂરના કારણે ૪૨ જણનાં મૃત્યુ, કોચી એરપોર્ટ બંધ

10 August, 2019 12:28 PM IST  | 

કેરળમાં વરસાદી આફતઃ પૂરના કારણે ૪૨ જણનાં મૃત્યુ, કોચી એરપોર્ટ બંધ

કેરળમાં પૂરની સ્થિતિ

કર્ણાટક બાદ હવે કેરળમાં આફતનો વરસાદ પડવાથી લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધી ૪૨ જણનાં મૃત્યુ થયાં છે. ભારે વરસાદના કારણે હવામાન વિભાગે રાજ્યના ચાર જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ મુજબ, આ જિલ્લામાં ભારે વરસાદની સાથે જોરદાર પવન ફુંકાશે.

ભારતીય હવામાન વિભાગે ઇદુક્કી, મુલપ્પુરમ, કોઝીકોડ અને વાયનાડમાં રેડ અલર્ટ જાહેર કર્યું છે. કેરળમાં મોટા ભાગની નદીઓ અને જળાશયોના જળસ્તર વધવાથી પૂરની સ્થિતિ ઊભી થઈ છે.

કોચી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટના આવન-જાવન પર રવિવાર બપોરે ત્રણ વાગ્યા સુધી રોક લગાવી દેવામાં આવી છે. મળતા અહેવાલો મુજબ પૂરનાં પાણી અૅરપોર્ટના પાર્કિંગમાં પણ ભરાઈ ગયાં છે.

કેરળ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીએ ભારે વરસાદને જોતાં ૨૨,૧૬૫ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દીધા છે અને સમગ્ર રાજ્યમાં ૩૧૫ શિબિરોમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રહેનારા લોકોને પહોંચાડવામાં આવ્યા છે. રાજ્યની પિનરાઈ વિજયન સરકારે સમગ્ર રાજ્યની સ્કૂલોમાં રજા જાહેર કરી દીધી છે. બીજી તરફ વાયનાડમાં ભૂસ્ખલનની દુર્ઘટના ઘટી છે. અત્યાર સુધીમાં લગભગ ૧૦૦થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

આ પહેલા ગુરુવારે ભારે વરસાદના કારણે તકેદારીના ભાગરૂપે અડધી રાત સુધી ફ્લાઇટ સંચાલનને ચાર કલાક માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, પૂરના કારણે એરપોર્ટનો મોટા ભાગનો હિસ્સો જળમગ્ન થઈ ગયો છે.

નવા નિર્દેશ મુજબ, ૧૧ ઑગસ્ટ બપોરે ત્રણ વાગ્યા સુધી કોચ્ચી અૅરપોર્ટ પર તમામ ફ્લાઇટ સંચાલનને રોકી દેવામાં આવ્યું છે.

કેરળમાં કબિની ડૅમનું જળસ્તર ૪૬,૦૦૦ ક્યુસેક વધી ગયું છે. અત્યાર સુધીના અહેવાલ મુજબ કબિની ડૅમથી ૪૦ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલ કબિની ડૅમમાં ૨૨૮૧.૫ ફુટ પાણી છે જ્યારે મહત્તમ સીમા ૨૨૮૪ ફુટ છે.

કર્ણાટકમાં જિલ્લા સર્જન અને ચિકિત્સા અધિકારીઓની રજાઓ ૧૫ ઑગસ્ટ સુધી રદ કરી દેવાઈ છે.

kerala gujarat news