કેસીઆર વધુ એક વખત વડા પ્રધાન મોદીને આવકારવા ઍરપોર્ટ પર ન ગયા

03 July, 2022 01:05 PM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

સિનિયર નેતા સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે ‘તેલંગણના મુખ્ય પ્રધાને કોઈ વ્યક્તિનું નહીં, પરંતુ સંસ્થાનનું અપમાન કર્યું છે.’

હૈદરાબાદમાં ઍરપોર્ટ પર યશવંત સિંહાને આવકારતા તેલંગણના મુખ્ય પ્રધાન કે. ચન્દ્રશેખર રાવ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની મીટિંગ માટે ગઈ કાલે હૈદરાબાદમાં પહોંચ્યા હતા. તેલંગણના મુખ્ય પ્રધાન કે. ચન્દ્રશેખર રાવ વડા પ્રધાનને આવકારવા માટે ઍરપોર્ટ પર નહોતા પહોંચ્યા. છ મહિનામાં ત્રીજી વખત એમ બન્યું છે, જેના લીધે શાસક તેલંગણ રાષ્ટ્ર સમિતિ અને બીજેપીની વચ્ચે વધુ એક વખત શાબ્દિક લડાઈ શરૂ થઈ ગઈ છે. બીજેપી માટે ખાસ નારાજગીનું કારણ એ છે કે વડા પ્રધાન આવ્યા એના કલાકો પહેલાં કે. ચન્દ્રશેખર રાવ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષોના ઉમેદવાર યશવંત સિંહાને આવકારવા માટે પહોંચ્યા હતા. 
સિનિયર નેતા સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે ‘તેલંગણના મુખ્ય પ્રધાને કોઈ વ્યક્તિનું નહીં, પરંતુ સંસ્થાનનું અપમાન કર્યું છે.’
પીએમ મોદીને આ‍વકારવા માટે રાજ્યના પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગપ્રધાન તલસની શ્રીનિવાસ યાદવ અને તેલંગણ રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ના અન્ય કેટલાક નેતાઓ પહોંચ્યા હતા. 
મુખ્ય પ્રધાને પીએમ મોદીની ટીકા કરતાં કહ્યું હતું કે ‘તમે (મોદી) લોકશાહી અને સંઘીય માળખાને રોજેરોજ મારી રહ્યા છો. તમને ન સાંભળનારી સરકારોને તમે પાડી દો છો અને તમને ન સાંભળનારા અવાજોને દબાવી દો છો.’

national news narendra modi