28 January, 2025 07:06 AM IST | Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent
કૈલાશ
કરોડો હિન્દુઓના આરાધ્ય મહાદેવની કૈલાસ માનસરોવર યાત્રા ભારત અને ચીન વચ્ચે ડોકલામ ઘર્ષણ બાદ બંધ કરી દેવામાં આવી હતી. જોકે ચીને હવે ભારત સાથેના સંબંધો સુધારવાની શરૂઆત કરી છે એના ભાગરૂપે પાંચ વર્ષથી બંધ કૈલાસ માનસરોવરની યાત્રા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આથી આ વર્ષે ઉનાળામાં દેવાધિદેવનાં દર્શન કરવાનો લાભ હિન્દુઓને મળશે.
ભારતના વિદેશસચિવ વિક્રમ મિસ્ત્રી ચીનની મુલાકાતે છે. તેમણે ચીનના વિદેશ સચિવ અને ઉપ-વિદેશપ્રધાન સાથે બીજિંગમાં મુલાકાત કરી હતી ત્યારે કૈલાસ માનસરોવર યાત્રા શરૂ કરવા ઉપરાંત કોવિડકાળથી બંધ ભારત અને ચીનની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાની સાથે વીઝાનિયમનો હળવા કરવા બાબતે સંમતિ સધાઈ હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ કજાનમાં મળ્યા હતા ત્યારે બન્ને નેતાઓએ સંબંધોની સ્થિતિ પર ચર્ચા કરી હતી અને સંબંધો સુધારવા હકારાત્મક વલણ અપનાવ્યું હતું.