સુપ્રીમના ચીફ જસ્ટિસ ગોગોઈને ઝેડ પ્લસ કૅટેગરીની સુરક્ષા અપાશે

17 November, 2019 10:14 AM IST  |  New Delhi

સુપ્રીમના ચીફ જસ્ટિસ ગોગોઈને ઝેડ પ્લસ કૅટેગરીની સુરક્ષા અપાશે

રંજન ગોગોઈ

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિવૃત્ત થયેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને આસામમાં ઝેડ પ્લસ કૅટેગરીની સુરક્ષાવ્યવસ્થા આપવામાં આવશે.
રંજન ગોગોઈએ તાજેતરમાં જ અયોધ્યા પરનો ચુકાદો આપ્યો છે અને એને ધ્યાનમાં રાખીને સરકારે તેમને ઝેડ પ્લસ કૅટેગરીની સુરક્ષા આપવાનું નક્કી કર્યું છે. જજ ગોગોઈ નિવૃત્ત થયા બાદ આસામમાં રહેવાના છે. ગયા સપ્તાહે અયોધ્યા ચુકાદા બાદ ગોગોઈની સાથે બીજા ચાર જજોની સુરક્ષાવ્યવસ્થામાં વધારો કરાયો છે.
કેન્દ્ર સરકારના નિર્ણય બાદ ગોગોઈના આસામના દિબ્રુગઢ ખાતેના પૈતૃક મકાન ખાતે અને ગુવાહાટીમાં બીજા ઘર પર સુરક્ષાબંદોબસ્ત મૂકવાના આદેશો અપાયા છે. આસામ પોલીસનાં સૂત્રોનું કહેવું છે કે અમને કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી સૂચના છે કે ગોગોઈની સુરક્ષા વધારીને ઝેડ પ્લસ કરવામાં આવે. આ માટે અમે જરૂરી વ્યવસ્થા કરી રહ્યા છીએ, કારણ કે ગોગોઈ નિવૃત્તિ બાદ ગુવાહાટીમાં રહેવાના છે.
ગોગોઈ સિવાય ચુકાદો આપવામાં સામેલ બીજા ચાર જજોની પણ સુરક્ષાવ્યવસ્થા વધારવામાં આવી છે. જોકે સરકાર આ અંગે કશું કહેવા માટે તૈયાર નથી.

supreme court national news