કાશ્મીરમાં લૅન્ડલાઇન સર્વિસ પૂર્વવત્, જમ્મુમાં 2G ઇન્ટરનેટ સર્વિસ શરૂ

18 August, 2019 09:50 AM IST  |  જમ્મુ કાશ્મીર

કાશ્મીરમાં લૅન્ડલાઇન સર્વિસ પૂર્વવત્, જમ્મુમાં 2G ઇન્ટરનેટ સર્વિસ શરૂ

કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ-૩૭૦ નાબૂદ કર્યાના પખવાડિયા બાદ પ્રતિબંધ ધીમે-ધીમે હળવા કરવાનું શરૂ કર્યું છે. જમ્મુમાં સ્કૂલ-કૉલેજો શરૂ થઈ ગયા બાદ હવે મોબાઇલ તેમ જ ઇન્ટરનેટ સર્વિસ પણ પૂર્વવત્ કરવામાં આવી છે. જમ્મુમાં 2G સ્પીડ સાથે ઇન્ટરનેટ સર્વિસ પુનઃ શરૂ કરવામાં આવી છે. કાશ્મીરમાં પણ લૅન્ડલાઇન ટેલિફોન સર્વિસ શરૂ કરી દેવામાં આવી છે. કાશ્મીરનાં ૯૬માંથી ૧૭ ટેલિફોન એક્સચેન્જ કાર્યરત કરવામાં આવ્યાં છે. કાશ્મીર ખીણમાં અનેક દિવસ બાદ સોમવારથી રાબેતા મુજબ સ્કૂલો ખોલવામાં આવશે.

કાશ્મીર ખીણમાં ચુસ્ત સુરક્ષા-બંદોબસ્ત વચ્ચે શનિવારે આમજનતાને છૂટછાટ આપવામાં આવી હતી. શહેરના ઘણા વિસ્તારોમાં લૅન્ડલાઇન સર્વિસ કાર્યરત કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યા મુજબ ૩૫ જેટલા પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારોમાં છૂટછાટ આપવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે હાલમાં સુરક્ષા દળો હાજર છે અને રસ્તા પર બૅરિકેડ્સ હજી પણ લગાડાયેલાં છે.

સરકારના પ્રવક્તા રોહિત બંસલ દ્વારા જણાવવામાં આવ્યું કે ૩૫ જેટલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવનજાવન માટે છૂટછાટ આપવામાં આવી છે. કિશ્તવાડમાં પણ શનિવારે દિવસભર કલમ-૧૪૪ હટાવી લેવામાં આવી છે.

કાશ્મીરમાં સુરક્ષાને પગલે પાંચ જિલ્લાઓમાં હજી પણ પ્રતિબંધ યથાવત્ છે. આ ઉપરાંત સીઆરપીએફ, જમ્મુ-કાશ્મીર પોલીસ તેમ જ લશ્કરના જવાનોને સંવેદનશીલ વિસ્તારોમાં તહેનાત કરવામાં આવ્યા છે. શુક્રવારે પત્રકારો સાથે વાત કરતાં મુખ્ય સચિવ સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે કાશ્મીર ખીણમાં શનિવારે ટેલિફોન સેવા પૂર્વવત્ કરવામાં આવશે. આ ઉપરાંત સોમવારે કાશ્મીરમાં શાળા-કૉલેજો પણ ફરી રાબેતા મુજબ ખોલવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે પ્રદેશના ૨૨ પૈકી ૧૨ જિલ્લામાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે, જ્યારે પાંચ જિલ્લામાં તકેદારીના ભાગરૂપે આંશિક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે.

શનિવારે જમ્મુ-કાશ્મીરના ઉધમપુર, રિયાસી, કઠુઆ, સાંબા અને જમ્મુ શહેરમાં 2G સ્પીડથી ઇન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી છે. આ સાથે તમામ વિસ્તારોમાં કોઈ પ્રકારના પ્રતિબંધ પણ લાગુ નથી. અધિકારીઓના મતે કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવા પૂર્વવત્ કરવાનો નિર્ણય કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ કરાશે. આ ઉપરાંત અટકાયતમાં લેવાયેલા લોકોને પણ સ્થિતિની ચકાસણી બાદ જ મુક્ત કરવાનો વિચાર કરાશે.

આ પણ વાંચોઃ ભારતના જવાબી ફાયરિંગમાં પાક.ના 2 અધિકારી સહિત 5 સૈનિક ઠાર, ત્રણ ચોકી નેસ્તનાબૂદ

માર્ચ ૨૦૧૯ સુધી જમ્મુ અને કાશ્મીરમાં લૅન્ડલાઇન કનેક્શનની સંખ્યા ૧ લાખ ૨૦ હજાર હતી. આ ઉપરાંત અહીં એક કરોડ ૩૭ લાખ મોબાઇલ કનેક્શન પણ છે. જમ્મુ અને કાશ્મીરમાં ૫૮ લાખ ઇન્ટરનેટ કનેક્શન છે. જમ્મુ અને કાશ્મીરમાં હાલાત સામાન્ય થવાના અહેવાલથી પાકિસ્તાન ખૂબ પરેશાન છે. ભારતના લોકોને એ શાંતિ આપે છે, પરંતુ પાકિસ્તાનને એ ખૂબ ખૂંચે છે.

national news jammu and kashmir