જમ્મુમાં ટૉપ પોલીસ ઑફિસરની હત્યા, સંજોગ કે આતંકવાદી કાવતરું?

05 October, 2022 09:26 AM IST  |  Jammu | Gujarati Mid-day Correspondent

જમ્મુ-કાશ્મીરમાં જેલોના ઇન્ચાર્જની હત્યા, તેમના નોકરને કસ્ટડીમાં લેવાયો : પોલીસનું કહેવું છે કે આતંકવાદના કનેક્શનના પુરાવા મળ્યા નથી, અમિત શાહની જમ્મુ-કાશ્મીરની મુલાકાત વખતે હુમલો 

જમ્મુ પાસેના એરિયામાં જમ્મુ-કાશ્મીરના ડિરેક્ટર જનરલ (પ્રિઝન્સ) હેમંત કુમાર લોહિયાના ઘરની બહાર તહેનાત પોલીસ જવાનો (ડાબે), જમ્મુ-કાશ્મીરના ડિરેક્ટર જનરલ (પ્રિઝન્સ) હેમંત કુમાર લોહિયાનો નોકર યાસીર લોહાર (જમણે). (તસવીર : પી.ટી.આઇ.)

જમ્મુ-કાશ્મીરમાં સોમવારે મોડી રાત્રે એક સિનિયર પોલીસ ઑફિસરની હત્યા કરવામાં આવી હતી. તેમનું ગળું કાપવામાં આવ્યું હતું અને તેમના મૃતદેહને બાળવાની કોશિશ પણ થઈ હતી. આ કેસમાં મુખ્ય શકમંદ તેમના નોકરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. નોંધપાત્ર છે કે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ રહી હોવાનો કેન્દ્ર સરકાર દાવો કરી રહી છે. જોકે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સોમવારે મોડી સાંજે જમ્મુ પહોંચ્યા હતા ત્યારે જ આ હુમલાથી આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ ‘સબ સલામત’ ન હોવાનો મેસેજ આપ્યો છે. સંરક્ષણ નિષ્ણાતો કહે છે કે અમિત શાહની જમ્મુ-કાશ્મીરની મુલાકાત વખતે જ આ હુમલો એક સંજોગ નહીં, પણ આતંકવાદી કાવતરું હોવાની શક્યતા છે.

જમ્મુ-કાશ્મીરમાં જેલોના ઇન્ચાર્જ હેમંત કુમાર લોહિયાની જમ્મુ પાસે તેમના એક મિત્રના ઘરે હત્યા કરવામાં આવી હતી. તેમના ઘરનું રિનોવેશન ચાલી રહ્યું હોવાના કારણે તેઓ તેમની ફૅમિલી સાથે ત્યાં રહેતા હતા.

પોલીસનું કહેવું છે કે અત્યાર સુધીની તપાસમાં આ ઘટનામાં આતંકવાદનું કોઈ કનેક્શન હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. લોહિયાની ઑગસ્ટમાં જ ડિરેક્ટર જનરલ ઑફ પ્રિઝન્સ (જમ્મુ-કાશ્મીર) તરીકે નિમણૂક થઈ હતી. અત્યાર સુધીના તપાસ અને સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે પોલીસ નોકર યાસીર લોહાર પર ફોકસ કરી રહી છે, જેને છ મહિના પહેલાં જ કામ પર રાખવામાં આવ્યો હતો.

આ હત્યા બાદ યાસીર ફરાર થઈ ગયો હતો. પોલીસે વ્યાપક શોધ કરીને ગઈ કાલે તેને પકડી પાડ્યો હતો. પોલીસે આ પહેલાં યાસીરને પકડી પાડવા માટે તેનો ફોટો પણ રિલીઝ કર્યો હતો.   
જમ્મુ પોલીસના સિનિયર પોલીસ ઑફિસર મુકેશ સિંહે કહ્યું હતું કે યાસીર લોહાર ખૂબ જ ડિપ્રેશનનો સામનો કરી રહ્યો હતો.

એ ઘરમાંથી હથિયાર તરીકે ઉપયોગમાં લેવામાં આવેલી કેચપની તૂટેલી બૉટલ અને એક ડાયરીને પુરાવા તરીકે જપ્ત કરવામાં આવી છે. 

સિંહે કહ્યું હતું કે ‘લોહિયાના પગમાં સોજો હોવાથી તેઓ એના પર ઑઇલ લગાવી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો. કિલરે લોહિયાને ગૂંગળાવ્યા હતા અને તેમનું ગળું કાપવા માટે કેચપની તૂટેલી બૉટલનો ઉપયોગ કર્યો હતો અને એ પછી મૃતદેહને બાળવાની કોશિશ કરી હતી. ધુમાડો જોતાં સિક્યૉરિટી ગાર્ડ્સ લોહિયાના રૂમમાં આવ્યા હતા. એ રૂમ અંદરથી બંધ હતો. સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં જોવા મળ્યું હતું કે શકમંદ ભાગી રહ્યો હતો.’

સિંહે વધુ કહ્યું હતું કે ‘યાસીર લગભગ છ મહિનાથી એ ઘરમાં કામ કરતો હતો. શરૂઆતની તપાસમાં બહાર આવ્યું છે કે તે ખૂબ જ આક્રમક હતો અને સૂત્રો અનુસાર તે ડિપ્રેશનથી પણ પીડાતો હતો.’

પોલીસે તેની માનસિક સ્થિતિ રજૂ કરતી તેની ડાયરી સહિત કેટલાક પુરાવા જપ્ત કર્યા છે. યાસીરની ડાયરી પરથી તેના ડિપ્રેશનનો ખ્યાલ આવે છે. એક નોટમાં લખ્યું હતું કે ‘ડિયર મૃત્યુ, મારી જિંદગીમાં આવ.’ બીજા એક નોટમાં લખવામાં આવ્યું હતું કે ‘હમ ડૂબતે હૈ તો ડૂબને દો, હમ મરતે હૈ તો મરને દો.’ 

એક હત્યા, બબ્બે આતંકવાદી જૂથોએ સ્વીકારી જવાબદારી

લશ્કર-એ-તય્યબાના ભારતીય યુનિટ પીપલ્સ ઍન્ટિ-ફાસિસ્ટ ફોર્સ (પીએએફએફ)એ હેમંત કુમાર લોહિયાની હત્યાની જવાબદારી સ્વીકારી છે. બીજી તરફ તેમના મૃત્યુના થોડા જ કલાકોમાં કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે આ હત્યાની જવાબદારી સ્વીકારી છે. એક પ્રેસ રિલીઝમાં પીએએફએફે જણાવ્યું હતું કે ‘અમારી સ્પેશ્યલ સ્ક્વૉડે ડીજીપી એચકે લોહિયાને ખલાસ કરવા માટે ઉદયવાલા, જમ્મુમાં ઇન્ટેલિજન્સ આધારિત એક ઑપરેશન પાર પાડ્યું છે.’ આ ગ્રુપે આવા વધુ હાઈ પ્રોફાઇલ ઑપરેશન્સને પાર પાડવાની ધમકી આપી છે. આ સંગઠને કહ્યું હતું કે ‘આવી ચુસ્ત સુરક્ષા વચ્ચે મુલાકાતે આવેલા ગૃહપ્રધાન માટે આ એક નાનકડી ભેટ છે.’ બીજી તરફ કેટલાક રિપોર્ટ્સ અનુસાર લોહિયાની હત્યાના કલાકો બાદ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે સોશ્યલ મીડિયા પર અનેક પોસ્ટ્સ મૂકી હતી, જેમાં આ હત્યા માટે જવાબદારી સ્વીકારવામાં આવી હતી. ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટની ૨૦૧૯માં રચના કરવામાં આવી હતી. 

national news jammu and kashmir