દિલ્હીના જહાંગીરપુરીના કેસમાં અદાલતે પોલીસની ઝાટકણી કાઢી

09 May, 2022 08:45 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જજે પરમિશન વિનાની હનુમાન જયંતી નિમિત્તેની શોભાયાત્રાને અટકાવવામાં મળેલી નિષ્ફળતા બદલ પોલીસને ઠપકો આપ્યો

હનુમાન જયંતી શોભાયાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ ફાટી નીકળ્યા પછી રેપિડ એક્શન ફોર્સના કર્મચારીઓએ તકેદારી રાખી હતી તેની ફાઇલ તસવીર (તસવીર : એ.એફ.પી.)

દિલ્હીના જહાંગીરપુરી ખાતે તાજેતરમાં થયેલાં કોમી રમખાણોના કેસમાં આઠ આરોપીઓના જામીનને સ્થાનિક કોર્ટે ફગાવી દીધા હતા. અદાલતે જણાવ્યું હતું કે આ આરોપીઓ સ્થાનિક કુખ્યાત અપરાધીઓ છે અને તેમને મુક્ત કરાશે તો તેઓ કદાચ સાક્ષીઓને ધમકાવી શકે છે. જજે ગેરકાયદે શોભાયાત્રાને ન અટકાવવા બદલ દિલ્હી પોલીસને પણ ઠપકો આપ્યો હતો. અદાલતે આદેશ આપ્યો હતો કે પોલીસ વડા આ કેસમાં તપાસ કરે અને એની સાથે સંકળાયેલા અધિકારીઓની જવાબદારી નક્કી કરે.

ગયા મહિનામાં દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતી નિમિત્તેની શોભાયાત્રા દરમ્યાન કોમી તોફાનોના સંબંધમાં ૨૦ જણની ધરપકડ કરવામાં આવી છે. આ હિંસામાં આઠ પોલીસ અને એક નાગરિકને ઈજા થઈ હતી.

જાણવા મળ્યું હતું કે આ શોભાયાત્રા માટે પોલીસ પરમિશન માગવામાં આવી નહોતી. વળી, પોલીસની હાજરીમાં જ બંને સમુદાયના લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. અદાલતે જણાવ્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ જણાય છે કે પરમિશન વિનાની શોભાયાત્રાને અટકાવવામાં સ્થાનિક પોલીસ સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી.

national news new delhi delhi high court