ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અચાનક આપી દીધું રાજીનામું, કહ્યું કે...

23 July, 2025 09:48 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Jagdeep Dhankar Resigns: સંસદના ચોામસુ સત્રના પહેલા દિવસે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું; તેમણે સ્વાસ્થ્યના કારણોસર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે

જગદીપ ધનખડ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ (Jagdeep Dhankar)એ સ્વાસ્થ્યના કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (Droupadi Murmu)ને લખેલા પત્રમાં, શ્રી ધનખરે જણાવ્યું હતું કે, આરોગ્ય સંભાળને પ્રાથમિકતા આપવા અને તબીબી સલાહનું પાલન કરવા માટે, તેમણે તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું (Jagdeep Dhankar Resigns) આપ્યું છે. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રપતિના અવિરત સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો. ધનખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને માનનીય મંત્રી પરિષદનો પણ આભાર વ્યક્ત કર્યો.

સોમવારે સાંજે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. ધનખડે આ સંદર્ભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખ્યો છે. જેમાં તેમણે સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું છે. ધનખડે રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં લખ્યું છે કે, ‘શ્રીમાન રાષ્ટ્રપતિ, આરોગ્ય સંભાળને પ્રાથમિકતા આપવા અને તબીબી સલાહનું પાલન કરવા માટે, હું બંધારણની કલમ 67 (a) હેઠળ તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપું છું.’

ઉપરાષ્ટ્રપતિએ આગળ લખ્યું છે કે, ‘હું ભારતના માનનીય રાષ્ટ્રપતિનો તેમના અતૂટ સહકારની ભાવના અને મારા કાર્યકાળ દરમિયાન બનેલા સૌહાર્દપૂર્ણ અને પ્રશંસનીય કાર્યકારી સંબંધો માટે ઊંડો આભાર વ્યક્ત કરું છું.’

ધનખડે પત્રમાં લખ્યું, ‘હું માનનીય પ્રધાનમંત્રી અને પ્રતિષ્ઠિત મંત્રી પરિષદનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. પ્રધાનમંત્રીનો સહયોગ અને સમર્થન અત્યંત મૂલ્યવાન રહ્યું છે, અને મેં મારા કાર્યકાળ દરમિયાન ઘણું શીખ્યું છે.’ તેમણે આગળ લખ્યું, ‘સંસદના તમામ માનનીય સભ્યો તરફથી મને મળેલો સ્નેહ, વિશ્વાસ અને આત્મીયતા હંમેશા મારી સ્મૃતિમાં અંકિત રહેશે.’

‘ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે મને મળેલા અમૂલ્ય અનુભવ અને સૂઝ માટે હું ખૂબ આભારી છું. ભારતની નોંધપાત્ર આર્થિક પ્રગતિ અને અભૂતપૂર્વ વિકાસને જોયો અને તેમાં ભાગ લીધો તે મારા માટે ગર્વ અને સંતોષની વાત રહી છે. આપણા રાષ્ટ્ર માટે આ પરિવર્તનશીલ સમયગાળા દરમિયાન સેવા આપવી એ ખરેખર સન્માનની વાત રહી છે. આ પ્રતિષ્ઠિત પદ છોડતી વખતે, મને ભારતના વૈશ્વિક ઉદય અને નોંધપાત્ર સિદ્ધિઓ પર ગર્વ છે અને તેના ઉજ્જવળ ભવિષ્યમાં સંપૂર્ણ વિશ્વાસ છે.’, એમ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પત્રમાં લખ્યું હતું.

૭૪ વર્ષીય જગદીપ ધનખડ ૨૦૨૨માં ભારતના ૧૪મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તેમણે ૬ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ યોજાયેલી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ આલ્વાને હરાવ્યા હતા. કુલ ૭૨૫માંથી જગદીપ ધનખડને ૫૨૮ મત મળ્યા હતા, જ્યારે માર્ગારેટ આલ્વાને ૧૮૨ મત મળ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ બનતા પહેલા તેઓ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા. જગદીપ ધનખડનો જન્મ ૧૮ મે, ૧૯૫૧ના રોજ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાં એક સરળ ખેડૂત પરિવારમાં થયો હતો. તેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ ગામડાની શાળામાંથી જ પૂર્ણ કર્યું હતું. આ પછી, શિષ્યવૃત્તિ મેળવ્યા પછી તેઓ ચિત્તોડગઢ સૈનિક શાળામાં અભ્યાસ કરવા ગયા. ધનખડની પસંદગી રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમીમાં થઈ હતી, પરંતુ તેઓ ગયા ન હતા. તેમણે જયપુરની મહારાજા કોલેજમાંથી બીએસસી (ઓનર્સ)ની ડિગ્રી મેળવી. તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ તેમણે જયપુરમાં રહીને કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી અને રાજસ્થાન હાઇકોર્ટના જાણીતા વકીલ બન્યા. ધનખર ૧૯૭૯માં રાજસ્થાન બાર કાઉન્સિલના સભ્ય બન્યા. ૨૭ માર્ચ, ૧૯૯૦ના રોજ તેઓ રાજસ્થાન હાઇકોર્ટમાં સિનિયર એડવોકેટ બન્યા. તે જ સમયે, તેઓ સુપ્રીમ કોર્ટમાં પણ પ્રેક્ટિસ કરતા રહ્યા. ૧૯૮૭માં તેઓ રાજસ્થાન હાઇકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે પણ ચૂંટાયા.

જગદીપ ધનખડ ચૌધરી દેવીલાલના રાજકારણથી પ્રભાવિત હતા. દેવીલાલ જ તેમને રાજકારણમાં લાવ્યા હતા. ૧૯૮૯માં, દેવીલાલનો ૭૫મો જન્મદિવસ હતો. જગદીપ ધનખડ તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે રાજસ્થાનથી ૭૫ વાહનોના કાફલા સાથે દિલ્હી પહોંચ્યા હતા.

droupadi murmu indian government india national news news