09 July, 2025 12:42 PM IST | Bhubaneswar | Gujarati Mid-day Correspondent
અધરપાન રસમમાં મીઠા પીણાં ભરેલા મટકા પ્રભુને ધરાવીને ફોડી નાખવાની વિધિ થાય.
ગઈ કાલે ઓડિશાના પુરીમાં જગન્નાથજીની રથયાત્રાનો અંતિમ અધ્યાય પૂરો થયો. પહેલાં અધરપાન અને પછી નીલાદ્રિ બિજેની રસમ થઈ હતી અને છેક છેલ્લે પ્રભુને મંદિરમાં પ્રવેશ મળ્યો હતો. મંદિરમાં પ્રવેશ પહેલાં ભાવિકો જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીને મીઠાં પેય ચડાવે છે. આ પેય તેમના હોઠ સુધી લગાડીને પછી એ પીણાં ભરેલાં માટીનાં મટકાં ફોડી નાખવામાં આવે છે. ત્યાર બાદ પ્રભુને મંદિરમાં પ્રવેશ કરાવવામાં આવે છે. અષાઢ શુક્લ તેરસે પ્રભુ પાછા ફરે છે એને નીલાદ્રિ બિજે ઉત્સવ કહેવાય છે. નીલાદ્રિ બિજેનો અર્થ થાય નીલમણિ પ્રભુનો વિજય. આ વિજય કોઈ શત્રુ કે અસુર પર મેળવવાની વાત નથી, પરંતુ આ વિજય છે કોઈના મન અને હૃદય પર વિજય.
રસગુલ્લા ધરાવીને જગન્નાથજી લક્ષ્મીજીને રિઝવવાનો પ્રયાસ કરે છે એ વિધિ.
નારાજ લક્ષ્મીજીએ મંદિરનાં દ્વાર બંધ કરી દીધાં હોવાથી જગન્નાથજીએ પત્નીને રીઝવવાં પડે એવી સ્થિતિ પેદા થઈ હતી. એનું કારણ એ હતું કે નગરભ્રમણ કરવા નીકળેલા પ્રભુ ગોંડિચા માસીના ઘરે પાંચ દિવસ રોકાઈ ગયા એની તેમને ખબર પણ નહોતી. એ વખતે પ્રભુ હાથમાં રસગુલ્લા ભરેલા પાત્ર લઈને લક્ષ્મીજી પાસે જાય છે અને મનાવે છે. રસગુલ્લા જોઈને મા લક્ષ્મી પીગળી જાય છે. એને કારણે નીલાદ્રિ બિજેમાં મંદિરની બહાર રસગુલ્લાની મટકીઓ ધરવામાં આવે છે.
રસગુલ્લા દિવસ પણ મનાવાય છે
૨૦૧૫થી નીલાદ્રિ બિજેના આ અવસરને ઓડિશામાં રસગુલ્લા દિવસ તરીકે મનાવાય છે. પહેલાં આ મીઠાઈને ખીર મોહનનું નામ અપાયું હતું, પરંતુ એ રસગુલ્લા જેવી દેખાય છે. ઓડિશામાં ખીર મોહનની શરૂઆત ૫૦૦ વર્ષ પહેલાંથી શરૂ થઈ હતી અને બલરામદાસલિખિત દાની રામાયણમાં રસગુલ્લાનો ઉલ્લેખ જોવા મળે છે.