સુપ્રીમ કોર્ટમાં હિજાબ કેસની સુનાવણીમાં ઈરાનના વિરોધ-પ્રદર્શનનો ઉલ્લેખ કરાયો

21 September, 2022 09:09 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કર્ણાટક સરકારે કહ્યું કે હિજાબ પર પ્રતિબંધના આદેશને પડકારનારા સ્ટુડન્ટ્સ પીએફઆઇથી પ્રભાવિત

સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી ઃ સુપ્રીમ કોર્ટમાં કર્ણાટક હિજાબ કેસમાં ગઈ કાલે પણ સુનાવણી થઈ હતી. કેટલાક સ્ટુડન્ટ્સે કર્ણાટકમાં મુસ્લિમ ગર્લ સ્ટુડન્ટ્સ દ્વારા હિજાબ પહેરવા પર પ્રતિબંધને સમર્થન આપતાં કર્ણાટક હાઈ કોર્ટના આદેશને પડકાર્યો છે. આ સુનાવણીમાં ઇરાનમાં મહિલાઓ દ્વારા હિજાબના વિરોધનો ઉલ્લેખ થયો હતો. 
ગઈ કાલે સુનાવણી દરમ્યાન જસ્ટિસ સુધાંશુ ધુલિયાએ સૉલિસિટર જનરલ તુષાર મહેતાને સવાલ કર્યો હતો કે ‘મફલર પણ યુનિફૉર્મનો ભાગ નથી હોતો ત્યારે જો કોઈ બાળક 
શિયાળામાં મફલર પહેરે તો શું તમે અટકાવશો?’
જેના જવાબમાં તુષાર મહેતાએ કહ્યું હતું કે ‘કાયદા અનુસાર ધાર્મિક ઓળખ ન હોવી જોઈએ. યુનિફૉર્મ આખરે યુનિફૉર્મ છે. વેદ પાઠશાળામાં કેસરિયાં વસ્ત્રો પહેરી શકાય અને મદરેસામાં હિજાબ પહેરી શકાય. જોકે બિનસાંપ્રદાયિક સ્કૂલમાં સ્ટુડન્ટ્સે યુનિફૉર્મ જ પહેરવો પડે.’
સુનાવણી દરમ્યાન સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ એમ પણ કહ્યું હતું કે ‘હિજાબ ઇસ્લામનો અનિવાર્ય ભાગ નથી. કેટલાક ઇસ્લામિક દેશોમાં હિજાબનો વિરોધ થઈ રહ્યો છે અને મહિલાઓ એની વિરુદ્ધ વિરોધ-પ્રદર્શન કરી રહી છે.’ 
અદાલતે સવાલ કર્યો કે ‘કયા દેશમાં?’ જવાબમાં સૉલિસિટર જનરલે કહ્યું હતું કે ‘ઇરાનમાં. એનાથી પુરવાર થાય છે કે હિજાબ પહેરવો ઇસ્લામમાં જરૂરી નથી.’
સુનાવણી દરમ્યાન કર્ણાટક સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે શિક્ષણ સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધના રાજ્ય સરકારના આદેશને પડકારનારા સ્ટુડન્ટ્સ પીએફઆઇ (પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા)થી પ્રભાવિત છે.   

national news supreme court iran